જમાલપુરમાં ૫ માળની ઈમારત ધરાશાયી, પરિવારોએ બિલ્ડિંગ ખાલી કરતા મોટી જાનહાનિ ટળી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક દુર્ઘટના બની છે. ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. ત્યારે આજે સાંજના સમયે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાજીના ધાબા પાસેની એક પાંચ માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ હતી.
ત્યાં હાજર લોકો પૈકીના કોઈએ કહ્યું યા અલ્લાહ રહેમ. બિલ્ડિંગ પડી ત્યારે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. પાંચ માળની બિલ્ડિંગ પડી રહી હતી ત્યારે સામે જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જાેતજાેતામા જ બિલ્ડિંગ કૂડકભૂસ કરતાં જ ઘસી પડી હતી અને આ ઘટનાને પગલે લોકોમાં ડર વ્યાપી ગયો હતો. બાળકો ચીચીયારી પાડતા હતા.
ગઈકાલે જર્ક આવતા એન્જિનયિર પાસે સ્ટ્રક્ચર ચેક કરાવ્યું જમાલપુર બિલ્ડિંગ પડવા અંગે મળતી માહિતી પ્રમાણે, આ બિલ્ડિંગમાં એક જ પરિવારના લોકો રહેતા હતા. બિલ્ડિંગ નીચે ગટરલાઈનની કોઈ સમસ્યા હતી. બીજી તરફ ગઈકાલે વાવાઝોડા દરમિયાન બિલ્ડિંગમાં રહેતા લોકોને જર્ક આવ્યો હતો. જેથી બુધવારે સવારે એન્જિનિયરને બોલાવીને સ્ટ્રક્ચર ચેક કરાવ્યું હતું. પણ પરિવારના લોકો અગમચેતીના ભાગરૂપે બધા બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે તેમાં કોઈ હાજર ન હતું.