માસ ફાયનાન્શિયલનો FY2021ના Q4 ગાળાનો ચોખ્ખો નફો છ ટકા વધીને રૂ. 36.53 કરોડ થયો
અમદાવાદ, એસએમઈ ફાયનાન્સિંગમાં નિપુણતા ધરાવતી અમદાવાદ સ્થિત માસ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ અને ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ 31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 36.53 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 34.50 કરોડના ચોખ્ખા નફા કરતાં છ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં માસ ફાયનાન્શિયલની ચોખ્ખી આવક રૂ. 139.15 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 169.89 કરોડ હતી.
નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળમાં કંપનીની એયુએમ રૂ. 5,372.44 કરોડ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 5,966.28 કરોડ હતી. કલેક્શનની ઉચ્ચ કાર્યદક્ષતા જાળવી રાખવાની સાથેસાથે ધિરાણ વખતે સાવચેતીભર્યો અભિગમ જાળવવાના લીધે એયુએમમાં આ 9.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વિપરિત સંજોગોમાં પણ અગાઉના તમામ ત્રિમાસિક ગાળામાં એકધાર્યું નાણાંકીય પ્રદર્શન કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સનો પુરાવો છે જે છેલ્લા બે દાયકાથી પુનરાવર્તિત થાય છે.
કંપનીની કામગીરી અંગે માસ ફાયનાન્શિયલ સર્વિસીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ ગાંધીએ જણાવ્યું હતું કે મોટાપાયે અસરકારક ધિરાણ પૂરા પાડવા માટે દરેક હિસ્સેદાર માટે મૂલ્યસર્જનના મિશન અને વિઝન સાથે કંપનીનો મુખ્ય ઉદ્દેશ મજબૂત મૂડી પાયો, ઉચ્ચ સ્તરની તરલતા, અસ્ક્યામતોની ગુણવત્તા, ઊંચા બફરની જોગવાઈ જાળવવાનો અને ઊભરતી પરિસ્થિતિને સમજવા માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કનો રહ્યો છે.
31 માર્ચ 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ધિરાણ રૂ. 1,294.11 કરોડ રહ્યું હતું જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 1,031.23 કરોડ હતું જેના પગલે 31 માર્ચ, 2021ના રોજ કંપનીની એયુએમ રૂ. 5,372.44 કરોડ રહી હતી. 31 માર્ચ, 2021ના રોજ કુલ સ્પેશિયલ કોવિડ જોગવાઈ રૂ. 4,049.75 કરોડની બુક એસેટ્સના 1.39 ટકા એટલે કે રૂ. 56.23 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2021 દરમિયાન વધારાની કુલ કોવિડ જોગવાઈ રૂ. 35.90 કરોડ હતી જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. 20.33 કરોડ હતી.