હજુ કોરોનાની મહામારી ટળી નથી, કોરોના સામે જિલ્લાની જીતએ દેશની જીત છેઃ મોદી
નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતું પડકારો હજુ પણ યથાવત છે, સૌ કોઈ પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે ૫૪ જિલ્લાના કલેક્ટરો સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તાલુકા કે જિલ્લામાં કોરોના સામેની જીત એ દેશની જીત છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરને કારણે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, કેટલાક રાજ્યોની સ્થિતિમાં સુધારો આવ્યો છે પરંતું હજુ પણ દેશ સામે કોરોના મહામારીને નાથવાના અનેક પડકારો છે એવામાં વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લા કલેક્ટર સાથે વર્ચ્યૂઅલ બેઠક યોજી સંવાદ સાંધ્યો હતો..
જિલ્લા અધિકારીઓ સાથેના સંવાદ મામલે પહેલા પીએમઓ તરફથી રાજ્યોના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ ડિરેક્ટર જનરલને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. વડાપ્રઘાનની બેઠક પહેલાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ મામલે રાજ્યોને રજૂઆત કરી હતી. જેને ૧૯ મે સુધીમાં પીએમઓ ઓફિસમાં મોકલવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જે બાદ રાજ્યોની સંમતિથી ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટર સાથે બેઠકનું આયોજન કરાયું હતું, એમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પુડુચેરી જેવા રાજ્યોના જિલ્લા કલેક્ટરોએ બેઠકમાં ભાગ લીધો હતો.
મહત્વનું છે કે આ પહેલાં પણ ૧૮ મેના રોજ મોદીએ ૯ રાજ્યના ૪૬ જિલ્લા કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ જિલ્લા જીતે છે ત્યારે જ દેશ જીતે છે. આપણા દેશમાં જેટલા જિલ્લાઓ છે, તેટલા જુદા જુદા પડકારો છે. આ દરમિયાન, તેમણે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને જિલ્લાના લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે જિલ્લાની હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે? ક્યાં ઉપલબ્ધ છે? આ પ્રકારની માહિતી આપવાથી લોકોની સુવિધા વધે છે. વડાપ્રધાન મોદીએ કોરોના કાળમાં કાળા બજારી પર પણ કાબૂ મેળવવા માટે જિલ્લા અધિકારીઓને કડક સૂચના પણ આપી હતી.
મહત્વનું છે કે કોરોના સામેની જંગમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી એકવાર વેક્સિનેશન મામલે નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જિલ્લાવાર વેક્સિનેશન કેન્દ્રની યોજના બનાવવા માટે નિર્દેશ કર્યો છે અને જણાવ્યું છે કે વેક્સિન કંપનીઓ સાથે વાતચીત બાદ આગામી ૪૨ દિવસમાં માત્ર વેક્સિનના ૧૦ કરોડ ડોઝ આપવામાં આવશે જેમાંથી કેન્દ્ર રાજ્યોને ૫ કરોડ ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે બાકીને ૪.૮૭ કરોડ ડોઝ રાજ્ય સરકારે કંપનીઓ પાસેથી ખરીદવા પડશે. જ્યારે વેક્સિનન કેન્દ્રો પર ભીડ ઓછી કરવા માટે કોવિન એપ પર યોગ્ય સમય દર્શાવવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.