તલવારના ઘા મારીને કાકાની હત્યા કરનાર સગીર ભત્રીજાે ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/muder-1.jpg)
Files Photo
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં કેલીકો મીલના કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના ભત્રીજાએ મિત્રો સાથે મળીને હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત ખુલી છે. પોલીસે સગીર સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના દાણીલીમડામાં કેલિકો મીલના કમ્પાઉન્ડમાં મોહંમદ રફીક પઠાણની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કેસમાં મૃતકના ભત્રીજા સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં કેલિકો મીલના કમ્પાઉન્ડમાં રફીક પઠાણને પીઠ અને માથાના ભાગે ઉપર છાપરી ૧૫થી વધુ ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી.
આ હત્યાની તપાસમાં મૃતકનો સગીર વયનો ભત્રીજાે શંકાસ્પદ લાગતા તેની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સગીર ભત્રીજાએ પોતાના મિત્ર પરવેઝ ઉર્ફે બાબા અન્સારી અને અન્ય ૪ સગીર મિત્રો સાથે મળીને તેના કાકા રફીકને પૈસા આપવા માટે કેલિકો મીલ બોલાવ્યો હતો. રફીક જ્યારે પૈસા લેવા પહોંચ્યો ત્યારે આરોપીઓ તલવાર અને પથ્થર વડે હુમલો કરીને તેની કરપીણ હત્યા કરી હતી.
મૃતક રફીક અન્સારીના માનસિક ત્રાસથી માતાને છોડાવવા ભત્રીજાએ મિત્રો સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ૧૨ વર્ષ પહેલાં રફીક પોતાની ભાભીને લઈને ભાગી ગયો હતો.. અને ત્યાર બાદ ભાભી સાથે લગ્ન કરી લીધા હતા. તેની ભાભી ૩ વર્ષનો દિકરો અને ૧ વર્ષની દીકરી લઈને આવી હતી. તેઓ ૧૦ વર્ષ સુરતમાં રહેતા હતા. ૨ વર્ષ પહેલા જ સુરતથી અમદાવાદના વટવામાં રહેવા આવ્યા હતા. રફીક બેરોજગાર હતો. અને ઘરમાં પૈસાની માગંણી કરીને પત્ની અને બન્ને બાળકોને મારતો હતો.
હત્યાના એક દિવસ પહેલા રફીકે રૂ ૨૦ હજારની માંગ કરીને સગીરની માતાને માર માર્યો હતો. અને પૈસા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. સગીર જમાલપુરમા મજૂરી કામ કરીને રૂ ૭ હજાર કમાય છે અને પરિવારનુ ગુજરાન ચલાવે છે. જયારે તેના કાકા માનસિક ત્રાસ આપીને પૈસા પડાવે છે. જેનાથી કંટાળીને સગીરે પોતાની માતાને રફીકના ચુંગલમાંથી છોડાવવા પોતાના મિત્રો સાથે મળીને હત્યાનુ ષંડયત્ર રચીને હત્યા કરી દીધી.પકડાયેલા આરોપી પરવેઝ ઉર્ફે બાબા વટવાનો રહેવાસી છે જયારે અન્ય પાંચ સગીર પણ વટવામા રહે છે. તેઓએ હત્યા કરવા માટે હથિયારો એકઠા કર્યા હતા. અને વાહનની વ્યવસ્થા કરી હતી. હાલમા પોલીસે પરવેઝ અને અન્ય પાંચ સગીરની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.