બોપલમાં છ પ્લોટની ઇ-હરાજીથી ઔડાને રૂ.૨૫૦ કરોડથી વધુ આવક થવાનો અંદાજ
અમદાવાદ: શહેર વિકાસ સત્તા મંડળ ( ઔડા) ૨૩ અને ૨૪ જૂન બે દિવસ દરમિયાન બોપલ વિસ્તારમાં સમાવિષ્ટ છ પ્લોટોના ઇ-ઓક્શનથી અંદાજિત ૨૫૦ કરોડથી વધુ રકમ એકત્રિત કરશે. બોપલના એક કોમર્શિયલ સહિત પાંચ રેસિડેન્શિયલ પ્લોટમાં ડેવલપર્સને ૪૫ મીટર સુધીની હાઇટ મળશે. કોર્પોરેશને ગત ૭ મેના રોજ કરાયેલા ઇ-ઓક્શનમાં ૧૬ પ્લોટમાંથી બોડકદેવના એક પ્લોટની ૭૭.૦૪ કરોડ આવક થઇ હતી. પ્રતિ ચો.મી.૨.૨૨ લાખની કિંમતે આ પ્લોટનું વેચાણ થયું હતું.
ઔડા હસ્તકનો બોપલ અને ઘુમા વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થઇ ગયો છે. હાલ માત્ર બાંધકામની મંજૂરી ઔડા આપે છે. આ સિવાયની બાબતોમાં કોર્પોરેશન ર્નિણય કરે છે. રાજ્ય સરકાર તરફથી જાહેરનામુ બહાર પડાયા પછી વહીવટી તમામ કામગીરી ઔડા દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને સુપરત કરી દેવાશે. વહીવટ સોંપાયા પછી પણ વેચાણ માટેના પડતર પ્લોટના વેચાણની સંપૂર્ણ જવાબદારી ઔડા પાસે રહેશે.
ઔડાએ ૨૦૧૯માં કરેલું ઇ-ઓક્શન રાજ્યમાં પ્રથમ હોવાનો દાવો કરતા ઔડાના અધિકારીઓએ કહ્યું કે, બોપલમાં વિકાસ કાર્યો પાછળ સમયાંતરે ખર્ચ કરાયો હતો. આ ખર્ચની રકમ પડતર પ્લોટોનું વેચાણ કરી ઊભી કરાશે. ઇ-ઓક્શનમાં સીંગલ બીડ અથવા સરકાર રોક લગાવે તો રદ થઇ શકે. આ સિવાય રદ થઇ શકે નહીં. ઔડા ગાર્ડન પાસે કુલ ૨૪ હજાર ચો.મી.નો પ્લોટ છે. જેમાંથી ૯ હજાર ચો.મી. પ્લોટ વેચાણ માટે મુકાયો છે.
પ્લોટની કિંમત નક્કી કરવા રાજ્યસ્તરની કમિટીની બેઠક યોજાય છે. જેમાં જે શહેરના નક્કી કરેલા પ્લોટની કિંમતનો અંદાજ કાઢવા માટે પ્લોટની આસપાસના દોઢ કિ.મી.ના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા જમીનના દસ્તાવેજાેનો આધાર લેવાય છે. આ દસ્તાવેજાેની કિંમત અને જેતે સમયની બજાર કિંમત ધ્યાનમાં લઇ પ્લોટના વેચાણની કિંમત નક્કી કરાય છે. ઇ-ઓક્શનમાં પ્લોટ ના જાય તો ફરીવાર કિંમત નક્કી કરવામાં આવશે.
ઔડા દ્વારા વર્ષ ૨૦૧૯માં છ પ્લોટ માટે ઇ-ઓક્શન કરાયુ હતું. જેમાં બોપલ, વેજલપુર અને થલતેજના પ્લોટનું વેચાણ થયું નહતું. આ પછી ઇ-ઓક્શન કરાયુ નહતું. આ ઇ-ઓક્શનમાં બોપલના ૯૦૦૦ ચો.મી.ના પ્લોટનો સમાવેશ છે. આ વખતે પ્લોટના વેચાણની અધિકારીઓને આશા છે.