સાત માસની અનન્યા અમદાવાદ સિવિલમાં કોવિડ-૧૯ અને આંતરડાની જટિલ સર્જરીનો સફળ સામનો કરી ફરી હસતી રમતી થઈ
જા કો રાખે સાઇયાં માર સકે ન કોઇ : બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો કાળો પડી ગયો હતો, જેને ઓપરેશન દ્વારા કાઢી નખાયો
હિંદીના પ્રખર કવિ અને સંત કબીર દાસે અમર દૂહો રચ્યો છે કે “જા કો રાખે સાઇયાં, માર સકે ન કોઇ. બાલ ન બાંકા કરિ સકે જો જગ બૈરી હોઇ…” આમાં કહેવાયું છે કે જો ઇશ્વરીય શક્તિ તમારી પડખે હોય તો કોઇ જ આપત્તિ તમારું કંઈ જ અહિત કરી શકે નહીં. કોવિડ-૧૯ની બીજી લહેરના આ વસમા સમયમાં પણ ભાવનગરની માત્ર સાત માસની દિકરી અનન્યાએ અમદાવાદ સિવિલમાં જે રીતે કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરીનો સામનો કરીને મોત સામેનો જંગ જીત્યો છે અને ફરી હસતી રમતી થઈ છે તે જોતા આ દૂહો અનન્યાના કિસ્સામાં તદ્દન બંધબેસે છે.
ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની (એબ્ડોમિનલ ડિસ્ટેન્શન)ની અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં ૪-૫ દિવસથી ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના તબીબોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા જણાવ્યું.
અમદાવાદ સિવિલમાં બાળકીને બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગમાં દાખલ કરાઈ. અહીં સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ્સ હાથ ધરાયા. અનન્યાનું હિમોગ્લોબિન નીચું હતું. રિપોર્ટમાં નાના આંતરડાનો ભાગ મોટા આંતરાડામા ધૂસી જવાની સ્થિતિ) હોવાનું જણાયું.જેના કારણે પેટ ફુલી જાય અને ઉલટીઓ થવા લાગી. અધૂરામાં પૂરું બાળકીનો કોવિડ-૧૯નો ઇ્ઁઝ્રઇ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો. આ ઘડી ડોક્ટર્સની તજજ્ઞતાની કસોટીની હતી. ડોક્ટર્સે પણ આ પડકાર બરાબર ઝીલ્યો અને ૨૮ એપ્રિલના દિવસે બાળકી ઉપર ઇમરજન્સી સર્જરી કરાઈ. ઓપરેશન દરમિયાન જણાયું કે બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો સડાગ્રસ્ત થઈ ગયો હતો. શરીરમાંથી નકામા ખોરાકને બહાર કાઢનારી એક ટ્યૂબ એટલેકે મ્ર્ુીઙ્મ ઉપર પણ સોજા હતાં. આંતરડાનો સડાવાળો ભાગ કાઢી નખાયો હતો.
આ જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી દ્વારા સંપન્ન કરાઈ હતી. ઍનિસ્થીઝયા ટીમનું સુકાન ડૉ. ભાવના રાવલે સંભાળ્યું હતું. ઓપરેશન બાદ કોવિડ-૧૯ની એક્સ્પર્ટ સંભાળ માટે અનન્યાને બાળ ચિકીત્સા વિભાગમાં ડૉ. જોલી વૈશ્નવ, ડૉ. અનુયા ચૌહાણ અને ડૉ. હેપ્પી પટેલની દેખરેખ હેઠળ ખસેડાઇ. અહીં તેને શ્વસનમાં તકલીફ થતા તેને એરવો સપોર્ટ પર રખાઈ હતી. ધીરે ધીરે અનન્યાની હાલત સુધરવી શરૂ થઈ અને તેના પરથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. ઓપરેશન પછીના ચોથા દિવસથી તેણે ફિડિંગ શરૂ કરી દીધું. હવે તે ખોરાકને સારી રીતે પચાવે છે અને નકામો ખોરાક સ્ટોમી દ્વારા બહાર નીકળે છે.
સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગના વડા અને એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ ૩થી લઇને ૮ મહિનાની વયના બાળકોમાં આંતરડાને લગતો અવરોધ સર્જાવા પાછળ ઇન્ટુસસસેપ્શન એ સૌથી સર્વસામાન્ય કારણ છે. શરૂઆતમાં સર્જરી વિના તેનો ઇલાજ થઈ શકે છે, પણ જ્યારે બાળકમાં ૨-૩ દિવસથી આના લક્ષણો હોય તો સર્જરી આવશ્યક બની જાય છે.
ડૉ. જોષીએ ઉમેર્યું કે આ બાળકીની સ્થિતિ કોવિડ-૧૯ના કારણે ગંભીર હતી. આવા કિસ્સામાં સર્જરી અને રિકવરી વધુ પડકારદાયક બની જાય છે કારણકે કોવિડ-૧૯થી ઇન્ફેક્શન વધી શકે છે. આ કિસ્સામાં સર્જરી દરમિયાન એક્સ્પર્ટ એનેસ્થેટિક મેનેજમેન્ટ, મેટિક્યુલસ કૅર તથા ઓપરેશન બાદ નિષ્ણાતોની ટીમ દ્વારા અપાતી ક્રિટિકલ પિડીયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર સહિતનો બહુઆયામી અભિગમ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.