ભરૂચ જીલ્લામાં વાવાઝોડાના તાંડવમાં 381 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા 193 ફીડરને નુકસાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Bharuch-1.jpg)
3000 વિજપ્રવાહની ફરિયાદ : સુરત,નવસારી,તાપી જીલ્લાની ટીમની મદદ.થી 48 કલાક માં 90 ટકા કામગીરી પૂર્ણ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં તાઉ-તેના તાંડવ અને વરસાદે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 193 ફીડરને નુકસાન કરતા રૂ.25 થી 30 લાખનું નુકસાન થયું હતુ અને 381 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.જેના પગલે યુઘ્ધના પગલે મરામત કામગીરી હાથધરી 48 કલાકમાં 90 ટકા જેટલો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લા ના વાગરા,દહેજ,જબુંસર અને હાંસોટ પંથકમાં વાવાઝોડા અને વરસાદનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.જેના કારણે આ વિસ્તારના ભરૂચ સહિત 381 ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો.વાવાઝોડાની આગાહીના પગલે વીજ કંપની દ્વારા વાવાઝોડાની સંભવિત અસરનો તાગ મેળવી આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.વાવાઝોડું શમતા યુદ્ધના ધોરણે સર્વે કરવા સાથે વીજપુરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું DGVCL ના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર જે.એસ.કેદારીયાએ જણાવી વહેલા માં વહેલી તકે વીજપુરવઠો ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.
જે માટે કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટ ને પ્રાથમિકતા આપવા સાથે ધરાશયી થયેલ 450 વીજપોલ અને 193 ફીડર પુનઃ કાર્યાન્વિત કરવાની કામગીરી સોમવાર સાંજ થી જ શરૂ કરી દેવામાં આવી હતી.જેમાં તાપી,નવસારી અને સુરત જિલ્લાની ટીમો પણ મદદે આવી હતી અને 48 કલાક માં 90 ટકા વીજપુરવઠો પુનઃ શરૂ કરી દેવાયો હતો.3000 જેટલી નાની મોટી ફરિયાદો પણ મળી હતી જેમાંથી હવે માત્ર 452 બાકી છે તે પણ ગુરુવાર સુધીમાં પુરી કરી દેવામાં આવશે.હવે એગ્રીકલચર માટે પણ વીજપુરવઠો પૂર્વવત કરવાની દિશા માં કામગીરી હાથ ધરાશે. આમ ભરૂચ જિલ્લા માં તાઉ-તે ના તાંડવ બાદ 48 કલાક માં ખોવાયેલ વીજપુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં વિજ કંપનીને સફળતા મળી હતી.