ઉંડા ઉંડા શ્વાસ લેવાથી ફેંફસા મજબૂત થાય છે
ડીપ બ્રીધિંગથી કોરોનાની સામે લડવામાં મદદ મળે છેઃ રિપોર્ટ-કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો કોરોનાનો શિકાર થયા છે, અનેક લોકોના જીવ જાેખમમાં મુકાઇ ગયા છે
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો કોરોનાનો શિકાર થયા છે, અનેક લોકોના જીવ જાેખમમાં મુકાયા છે. હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જાેતા દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે,
જેથી મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાને કારણે લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી જાેવા મળી રહી છે. ઘરેથી લેપટોપ પર કામ કરવાને કારણે એક જગ્યાએ બેસી રહેવું પડે છે. આખો દિવસ કામની વ્યસ્તતાને કારણે કસરત અને યોગા કરવાનો પણ ટાઈમ રહેતો નથી. લોકોના ફેંફસાની કાર્યક્ષમતા નબળી પડવાની સંભાવના છે. જાણકારીના અભાવના કારણે લોકો ઊંડા શ્વાસ લેતા નથી, તેથી તેમની શ્વસન પ્રણાલી પર અસર પડી રહી છે.
જાે શ્વસનપ્રણાલી પર ધ્યાન આપવામાં આવે તો તમને બ્લડપ્રેશર, હાર્ટ રેટ, બોડી ટેમ્પરેચર જેવી સમસ્યાથી થોડી રાહત મળી શકે છે. આખો દિવસ તમારી બ્રીધિંગ પ્રોસેસ પર ધ્યાન ન આપી શકાય, તેથી જાે દિવસમાં માત્ર ૧૦ મિનિટ ડીપ બ્રીધિંગ એક્સરસાઈઝ કરવામાં આવે તો તમને લાભદાયી શકે છે.
જ્યારે ખુલ્લી હવામાં નાકથી હવા શરીરમાં ખેંચવામાં આવે અને ત્યાર બાદ ધીરે ધીરે હવા બહાર છોડવામાં આવે તેને ડીપ બ્રીધિંગ એક્સરસાઈઝ કહેવામાં આવે છે. આ એક્સરસાઈઝ કરવાથી ફેંફસામાં હવા ભરાય છે અને શરીરને વધુ માત્રામાં ઓક્સિજન મળે છે. તમે નિયમિત પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ જેવા યોગ કરી શકો છો.
તે સિવાય હેલ્થ લાઈન અનુસાર ફેંફસા માટે લિપ્સ બ્રીધિંગ પણ લાભદાયી છે. તે માટે રિલેક્સ થઈને ખુરશી પર બેસો. મોઢુ બંધ કરીને નાકથી ઊંડો શ્વાસ લો અને ૧૦ સુધીની ગણતરી કરો. તમારા હોઠથી મીણબત્તી ઠારવા જેવી પોઝિશન બનાવો અને હવા ધીરે-ધીરે બહાર છોડી દો. તમે નિયમિત આ પ્રક્રિયાના સમયને વધારી શકો છો.
આ એક્સરસાઈઝ તમારા ફેંફસાની કાર્યક્ષમતામાં વધારો કરશે. કોરોના થવા પર તમારા ફેંફસા પર સોજાે આવે છે અને મ્યૂકસ વધવાને કારણે ફેંફસા યોગ્ય રીતે શરીરમાં ઓક્સિજન સપ્લાય કરી શકતા નથી. જેથી ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે. આ કારણોસર જાે તમે ડીપ બ્રીધિંગ કરો છો, તો તમારા ફેંફસા સુધી ઓક્સિજન પહોંચે છે અને ત્યાં રહેલ મ્યૂકસ તથા અન્ય ફ્લૂઈડને દૂર કરે છે. કોરોના થયા પહેલા જાે આ એક્સરસાઈઝ કરવામાં આવે તો ફેંફસાને મજબૂત કરવાનું કામ કરે છે, જે તમને સંક્રમણ દરમ્યાન કોરોના સામે લડવામાં મદદ કરે છે.