ગુજરાતમાં સુજલામ સુફલામ અભિયાનથી પાણીનો વધુ સંગ્રહ
અમદાવાદ, ગુજરાતમાં આ વખતે મોનસુનની સ્થિતિ સારી રહી છે. ગુજરાત પર મેઘમહેરના કારણે સિઝનમાં હજુ સુધી ૯૫ ટકા સુધી વરસાદ થઇ ચુક્યો છે. બીજી બાજુ સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનથી ૨૩ લાખ ઘનફૂટ પાણી વધારાનું સંગ્રહ કરવામાં આવ્યું છે. નીતિ આયોગે સતત ત્રીજા વર્ષે ગુજરાતને કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટમાં પ્રથમ હોવા માટેનું સન્માન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, સતત બે વર્ષ સુધી ચલાવવામાં આવેલા જળ ક્રાંતિ અભિયાનથી પ્રદેશભરમાં ૨૩ લાખ ૫૫૩ ઘનફૂટ પાણી વધારાનું જમા કરવામાં સફળતા મળી છે. રાજ્યના ભુગર્ભ જળની સપાટી સતત વધી છે. રાજ્યના ભુગર્ભ જળનું સ્તર ૫થી સાત ફુટ ઉપર આવ્યું છે.
૧૦૦૦૦થી વધુ ગામોના તળાવો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. રૂપાણીએ કહ્યું છે કે, ૩૩ જિલ્લાના ૧૨૩૦૦ તળાવોને આ જળ અભિયાન હેઠળ ઉંડા કરવામાં આવ્યા હતા અને ૫૭૭૫ ચેકડેમની માટી બહાર કાઢવામાં આવી હતી. ૪૬૦૦ ચેકડેમ સંપૂર્ણપણે ભરાઈ ચુક્યા છે. રૂપાણીના કહેવા મુજબ ગુજરાત કોઇ સમયે દુકાળગ્રસ્ત રાજ્ય હતું પરંતુ સરદાર સરોવર નર્મદા બંધ અને રાજ્ય સરકારના નદી જાડો અભિયાનના પરિણામ સ્વરુપે ચેકડેમની ખોદકામની કામગીરી હાથ ધરાઈ હતી.
નીતિન પટેલના કહેવા મુજબ અભિયાનથી ૧૪૦૦૦ ગામોમાં જળ સ્તર ઉંચુ આવ્યું છે. સાથે સાથે એક કરોડ દિવસના શ્રમના રોજગાર ઉભા થયા છે. સુજલામ સુફલામ યોજના ખુબ જ સફળ રહી છે. ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકા વરસાદ થઇ જતાં તંત્રની સાથે સાથે ખેડૂત સમુદાય અને લોકોને રાહત થઇ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ વધુ સરળરીતે ઉપલબ્ધ બની જાય તેવું ચિત્ર સર્જાઈ ગયું છે. હજુ પણ વરસાદી આંકડો વધવાના સંકેત છે.