કોર્પોરેટરને પ્રજા વચ્ચે લઈ જવા “મારો વોર્ડ-કોરોનામુક્ત” અભિયાન
કોરોના સંકટ સમયે ભાજપના કોર્પોરેટરો મી.ઈન્ડીયા બની ગયા હતા ઃ સુરેન્દ્ર બક્ષી
(પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. કોવિડ-૧૯ના કેસની સંખ્યા ઓછી થવાના કારણે ઓક્સીજન, બેડ અને ઇન્જેકશન પણ ઉપલબ્ધ થઈ રહ્યા છે. આમ, પરિસ્થિતી લગભગ નિયંત્રણમાં હોવા છતાં બે મહિના અગાઉ રંગેચંગે ચૂંટાઈને આવેલા કેટલાંક કોર્પોરેટરો સહેલાઈથી ઉપલબ્ધ થતા નથી.
જેના કારણે મતદારોને તકલીફ થઈ રહી છે. સદ્ર સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા “મારો વોર્ડ – કોરોના મુક્ત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં “સેલ્ફ ક્વોરેન્ટીન” થયેલા કોર્પોરેટરોને પ્રજા વચ્ચે લઈ જવા માટે ખાસ ટાસ્ક આપવામાં આવ્યા છે. કેટલાક વક્રદૃષ્ટાઓના મતે પ્રજા ઓક્સીજન અને ઇન્જેકશન માટે વલખા મારી રહી હતી તેવા સમયે કોર્પોરેટરો અને ધારાસભ્યોને આ ટાસ્ક આપવાની જરૂરીયાત હતી.
રાજ્યમાં છેલ્લા બે મહીનાથી કોરોના આતંક મચાવી રહ્યો છે. તેમજ માત્ર ૨૨ દિવસમાં એક લાખ કેસ નોંધાયા છે. કોરોના સતત વધી રહેલા સંક્રમણ સમયે નાગરીકો ચૂંટાયેલી પાંખ પાસે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. પરંતુ ૨૦૨૦ની માફક ૨૦૨૧માં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા નેતાએ જ પ્રજાની વચ્ચે જાેવા મળ્યા હતા.
નાગરીકોને હોસ્પીટલમાં બેડ અને ઓક્સીજન મળતા ન હતા તેવા સમયે ફેબ્રુઆરી મહીનામાં જ જંગી બહુમતીથી ચૂંટણી જીતીને આવેલા કેટલાક કોર્પોરેટરો “મી. ઈન્ડીયા” બની ગયા હતા. ચૂંટણી જીત્યા બાદ થોડા દિવસ ચારે આ મહાનુભાવો “વેક્સીન” ફોટોશેસન સમયે હાજર રહ્યા હતા.
પરંતુ કટોકટીના સમયે જ ગાયબ થઈ ગયા હતા. જેના કારણે નાગરીકો તો ઠીક તેમના કાર્યકરોમાં પણ ભારે રોષ જાેવા મળ્યો હતો. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ નાગરીકો અને કાર્યકરોના આક્રોશને શાંત કરવા તેમજ કોર્પોરેટરોના ક્વોરેન્ટીન પીરીયડ પૂરા કરવા માટે “મારો વોર્ડ – કોરોના મુક્ત” અભિયાન અસરકારક વેક્સીન સાબિત થઈ શકે છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ સદ્ર અભિયાન અંતર્ગત કોર્પોરેટરો નં. ૧૫ જેટલી જવાબદારી આપવામાં આવી છે. જેમાં વેક્સીન સેન્ટરની મુલાકાત લેવી, વોર્ડ અધિકારી પાસે થી ૧૦૪ ની માહિતી લેવી, વોર્ડમાં ફરતા ધન્વંતરિ રથની માહિતી લેવી, આર્યુવેદિક-હોમોયોપેથીક દવા અને ઉકાળાનું વિતરણ કરવું, જરૂરિયાત મુજબ સેનેટાઈરનો છંટકાવ કરવવો,
ટેસ્ટીંગ ડોમની રેગ્યુલર મુલાકાત લેવી, જરૂરીયાત મંદોને ઓક્સીજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી, પ્રિ-મોન્સુન પ્લાનની માહિતી મેળવવી અને અમલ કરાવવો વગેરે મુબ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે જ્યારે દૈનિક ૫૫૦૦ કેસ કન્ફર્મ થતા હતા અને ૧૦૮ ની સેવા માટે બે-બે દિવસ વેઇટીંગ ચાલતા હતા તેવા સમયે ભાજપના કોર્પોરેટરો ક્યાં હતા ? હાલ કેસ ઘટી રહ્યા છે તેમજ પ્રજાથી વિમુખ થયેલા કોર્પોરેટરોના કારણે ૨૦૨૨ ની ચૂંટણીમાં વિપરીત અસર થશે તેવી દહેશતના કારણે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા.