Western Times News

Gujarati News

ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક બન્યા

બે ગુજરાતીઓની વચ્ચે ચીનના અબજાેપતિ બિઝનેસમેન હતા, જેમને પાછળ કરીને અદાણી બીજા ક્રમાંકે પહોંચી ગયા

નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં બે ગુજરાતીઓનો દબદબો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમાં બીજાે ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે એશિયાના સૌથી ધનિક લોકોની યોદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ટોચના ક્રમાંકે છે. બ્લૂમબર્ગના વૈશ્વિક અબજાેપતિઓની યાદીની વાત કરીએ તો તેમાં મુકેશ અંબાણી ૧૩મા જ્યારે ગૌતમ અદાણી ૧૪મા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના અહેવાલ અનુસાર પોર્ટથી લઈને એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં વ્યવસાય ધરાવતા ગૌતમ અદાણીએ ચીનના અબજાેપતિ બિઝનેસમેન ઝોન્ગ શાનશાનને પાછળ કરીને આ સ્થાન મેળવ્યું છે.

આ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૬૬.૫ અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે ઝોન્ગ શાનશાનની સંપત્તિ ૬૩.૬ અબજ ડોલર નોંધાઈ હતી. ફેબ્રુઆરી, ૨૦૨૧માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શાનશાનને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો, આ યાદીમાં પણ મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં પાછલા એક વર્ષમાં ૩૨.૭ અબજ ડોલરનો જંગી વધારો નોંધાયો છે, જ્યારે અંબાણીની સંપત્તિમાં આ સમયગાળા દરમિયાન ૧૭૫.૫ મિલિયન ડોલરનો આંશિક ઘટાડો થયો હોવાનું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અંબાણીની નેટવર્થ ૭૬.૫ અબજ ડોલર નોંધાઈ છે.

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ સંપત્તિમાં થયેલા વધારા માટે અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈસિસ, અદાણી ગેસ એન્ડ ટ્રાન્સમિશન જેવી કંપનીઓના શેરની કિંમતોમાં જાેવાયેલો ઉછાળો કારણભૂત છે. ઉલ્લેખનીય છે કે પાછલા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈસિસના શેરની કિંમતોમાં ૬૧૭ ટકા અને ૮૨૭ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે.

લાઈવ મિન્ટના એક અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન અદાણી ટોટલ ગેસના શેરમાં ૧૧૪૫ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે. ચીનના અબજાેપતિ શાનશાન નોન્ગફુ સ્પ્રિંગ બેવરેજીસના સ્થાપક ચેરપર્સન હોવા ઉપરાંત બેઈજિંગ વન્તાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઈસમાં પણ બહુમત હિસ્સો ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.