Western Times News

Gujarati News

RBI સરપ્લસમાંથી કેન્દ્રને રૂ. ૯૯,૧૨૨ કરોડ આપશે

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ તેની સરપ્લસ રકમમાંથી ૯૯,૧૨૨ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો ર્નિણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે બેઠકમાં ૯૯,૧૨૨ કરોડ રૂપિયાનાં ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ ર્નિણય આજે આરબીઆઈનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં લેવામાં આવ્યો છે.

એક નિવેદનમાં આ ર્નિણય અંગે માહિતી આપતા રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકનું હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ સુધી બદલાયું છે. અગાઉ તે જુલાઈથી જૂન હતું. તેથી બોર્ડે જુલાઈથી માર્ચ ૨૦૨૧ દરમિયાન નવ મહિનાનાં સંક્રમણ સમયગાળા દરમિયાન ભારતીય રિઝર્વ બેંકની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

બોર્ડે તેની બેઠકમાં હાલની આર્થિક સ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો અને કોવિડ-૧૯ ની બીજી લહેરનાં અર્થતંત્ર પરનાં પ્રભાવને ઘટાડવા માટે રિઝર્વ બેંક દ્વારા લીધેલા તાજેતરનાં નીતિગત પગલાઓની સમીક્ષા કરી હતી. જણાવી દઇએ કે, અગાઉ બોર્ડ દ્વારા એકાઉન્ટિંગ વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારને ૫૭,૧૨૮ કરોડ રૂપિયાનાં સરપ્લસને ટ્રાન્સફર કરવા પર પોતાની સંમતિ આપી હતી. ગયા વર્ષ પહેલાનાં સાત વર્ષમાં આ સૌથી ઓછું સરપ્લસ ટ્રાન્સફર હતું. વર્ષ ૨૦૧૯ માં, આરબીઆઈએ કેન્દ્ર સરકારને રૂ. ૧,૨૩,૪૧૪ કરોડનું સરપ્લસ ટ્રાન્સફર કર્યું હતું.

આ બેઠકમાં ડેપ્યુટી ગવર્નર્સ મહેશકુમાર જૈન, ડો.માઇકલ દેવવ્રત પાત્રા, એમ. રાજેશ્વર રાવ, ટી. રવિશંકર અને સેન્ટ્રલ બોર્ડનાં અન્ય ડિરેક્ટર, જેમ કે એન. સતિષ કે. મરાઠે, એસ. ગુરૂમૂર્તિ, રેવતી અય્યર અને પ્રો. સચિન ચતુર્વેદી બેઠકમાં હાજર રહ્યા હતા. નાણાકીય સેવાઓ વિભાગનાં સચિવ દેવાશીષ પાંડા અને આર્થિક બાબતોનાં વિભાગનાં સચિવ અજય શેઠ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.