અમદાવાદઃ મ્યુકરમાઇકોસિસનું રૂ.૩૦૦નું ઇન્જેક્શન રૂ.૧૦,૦૦૦માં વેચાતા ચાર ‘મોતના સોદાગર’ ઝડપાયા
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને બીજી લહેરમાં ઘણા લોકો આ મહામારીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે એટલું જ નહીં, નિદાન અને સારવારની અપૂરતી સુવિધાના કારણે લોકો માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આ સંજાેગોમાં કોરોનાની આડઅસરથી થતા મ્યુકરમાઈકોસિસ નામના રોગથી નાગરિકો સામે નવો પડકાર ઊભો થયો છે.
અત્યંત ઝડપથી પ્રસરી રહેલા આ રોગના ભરડામાં હજારો નાગરિકો આવ્યા છે અને રોગને નાથવા માટે જરૂરી એમ્ફોટેરીસીન બી નામના ઈન્જેક્શનની ભારે તંગી ઊભી થઈ છે. આવી પરીસ્થિતિમાં પણ કેટલાક લોકો કાળાં બજાર કરી રહ્યા છે. ડ્રગ ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચે મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા પાંચ શખ્સની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ પટેલ અને સ્મિત રાવલ નામના બે ઈસમો મ્યુકરમાઈકોસિસ રોગ માટે આપવામાં આવતા એમ્ફોટેરીસીન બી નામના ઇન્જેક્શન બજાર કિંમત કરતાં ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે.જેથી ક્રાઇમ બ્રાન્ચ એ છટકું ગોઠવીને કુલ ૪ આરોપી ઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચએ પ્રજ્ઞેશ પટેલ, વશિષ્ઠ પટેલ, નીરવ પંચાલ, અને સ્મિત રાવલ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હાર્દિક પટેલ નામના વ્યક્તિ પાસેથી આ ઇન્જેક્શન લાવ્યા હતા.
જેની બજાર કિંમત રૂપિયા ૩૧૪.૮૬ છે. અને આરોપી ઓ રૂપિયા ૧૦ હજારમાં વેચતા હતા. હાલમાં પોલીસ એ આરોપીની ધરપકડ કરીને કોને કોને અને કેટલી કિંમત એ વેચ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય કોઈ જગ્યા એ ઇન્જેક્શન નો સંગ્રહ કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.