રાજકોટમાં રોજ મ્યુકોરમાઈકોસિસના ૩૦ નવા કેસ આવે છે
રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસને લઈને સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ ૩૦ થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને રીફર કરવાની આજથી શરૂઆત કરાઈ છે.
મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન માટે હવે સેન્ટ્રલ વ્યવસ્થા કરવામાં આવશે. સરકારમાંથી પરિપત્ર આવી ગયો છે અને ત્રણ તબીબોની કમિટીની રચના કરવામાં આવી છે. રેમડેસિવિરની જેમ હવે મેડિકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન નહિ મળે. કાલે રાજકોટમાં ઈન્ક્શનનો મોટો જથ્થો આવતા પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
તો બીજી તરફ, કલેક્ટર રેમ્યા મોહને મ્યુકોરમાઈકોસિસને લઈને ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, મ્યુકોરમાઈકોસિસ અંગે સારવાર આપતી ૨૧ પૈકી માત્ર ૬ હોસ્પિટલ દ્વારા ફોર્મ મોકલવામાં આવ્યા છે. દર્દીની હિસ્ટ્રી સાથેના ઈન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ માત્ર ૬ હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ઈન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ એક્સપર્ટ ડોક્ટરોની કમિટીને તાત્કાલિક મોકલવા વિનંતી છે. હોસ્પિટલ સંચાલકોને બ્લેક માર્કેટિંગ અવોઇડ કરવાની વિનંતી કરી છે. રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા ૭૦૦૦ રૂપિયાના ઈન્જેક્શનના ૧૧ થી લઇ ૨૬ હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ મોટી મહામારી બનીને ઉભરી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે. જેમાં ૪૫૦ સિવિલ હોસ્પિટલમાં, જ્યારે કે ૨૦૦ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટ બાદ જામનગર સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં ૯૪ મ્યુકોરમાઇકોસીસના કેસ નોંધાયા છે