Western Times News

Gujarati News

એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો અમદાવાદ પહોંચ્યો

પ્રતિકાત્મક

મ્યુકોરમાયકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર-ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદ, ગુજરાતમાં ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે પરંતુ કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાયકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાયકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકોરમાયકોસિસ કેસ વધતાં ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે.

ત્યારે મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ આવે ખાતે પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની સારવાર લઈ રહેલા દર્દીઓના સગા પાસેથી જરૂરી દસ્તાવેજ લઈ એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવશે.

અમદાવાદ સોલા સિવિલને ૧૦૦ ઇન્જેક્શન હાલ જીએમએસસીએલ દ્વારા આપવામાં આવ્યા છે. ૪૦ ઇન્જેક્શન સોલા સિવિલ દ્વારા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીના સગાને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવશે.

સોલા સિવિલ તરફથી દર્દીના સગાને ઇન્જેક્શન મેળવવામાં કોઈ સમસ્યા ના થાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ સોલા સિવિલમાં આવેલા ઇન્જેક્શનની કિંમત ૫૩૦૦ રૂપિયા જે પાવડર ફોર્મમાં છે. પાવડર ફોર્મમાં આવતા ઇન્જેક્શન માટે સામાન્ય ટેમ્પરેચરની જરૂર રહે છે.

લિકવિડ ફોર્મમાં આવતા ઇન્જેક્શનને ૨ થી ૮ ડીગ્રી સુધી સાચવવાની ફરજ પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-બીની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-બીનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે.

ત્રણ દિવસમાં, હાલની ૬ કંપનીઓ ઉપરાંત વધુ ૫ કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય કંપનીઓએ એમ્ફોટેરિસીન-બીની ૬ લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.