બૂલેટ ટ્રેનના ડ્રાઈવરે કંડક્ટરને ટ્રેનનું સંચાલન આપી દીધું
ટ્રેનના ડ્રાઈવરને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેમને તાત્કાલિક શૌચાલયનો ઉપયોગ કરવો પડે તેમ હતો
જાપાન: જાપાનમાં બુલેટ ટ્રેનના ડ્રાઈવરે થોડીક ક્ષણો માટે કંડક્ટરને ૧૫૦ાદ્બ/ર સ્પીડથી ચાલતી બુલેટ ટ્રેન ચલાવવા માટે કહ્યું હતું. ત્યારે બાદ ડ્રાઈવર કોકપીટ છોડીને ચાલ્યો ગયો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, કંડક્ટર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હતું. તો બીજી તરફ હિકારી ૬૩૩ બુલેટ ટ્રેનમાં ૧૬૦ યાત્રીઓ સવાર હતા. જાેકે, આ ઘટનાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
પરંતુ શક્ય છે કે ડ્રાઈવર-કંડકટર સામે કાર્યવાહી થઇ શકે છે. રેલવે કંપનીએ આ વાતની અધિકારીઓને જાણકારી આપી હતી અને આ ઘટના અંગે તેમણે માફી માંગી હતી. સેન્ટ્રલ જાપાન રેલવે કંપનીએ જણાવ્યું કે, ટ્રેન જ્યારે શિજુઓકા પ્રાંતમાં યાત્રા કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. બુલેટ ટ્રેનના ૩૬ વર્ષીય ડ્રાઈવરને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેમને તાત્કાલિક શૌચાલયનો ઉપયોગ કરવો પડે તેમ હતો. આ કારણોસર ડ્રાઈવરે કોકપિટમાં ટ્રેન કંટ્રોલ કરવા માટે કંડક્ટરને બોલાવ્યો હતો.
તે બાદ ડ્રાઈવરે ત્રણ મિનિટ સુધી કોકપિટને કંડક્ટરને હવાલે કરી દીધું હતું. આ દરમિયાન ડ્રાઈવરે યાત્રીના કેબિનમાં શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. કંપનીના નિયમો મુજબ, જ્યારે ડ્રાઈવરને લાગે કે તેની તબિયત સારી નથી, તો તેઓ ટ્રાન્સપોર્ટ કમાન્ડ સેન્ટરને સંપર્ક કરી શકે છે. ડ્રાઈવર કંડક્ટરને પણ ટેકઓવર આપી શકે છે, પરંતુ તે માટે કંડક્ટર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જેઆર સેન્ટ્રલે જણાવ્યું કે, ડ્રાઈવર અને કંડક્ટર પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ડ્રાઈવરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમણે સિનિયર અધિકારીઓને શા માટે સૂચના ન આપી. ત્યારે ડ્રાઈવરે જણાવ્યું કે આ વાત કહેવી તેમને શરમજનક લાગી રહી હતી, તેથી તેમણે સિનિયર અધિકારીને આ વાતની જાણકારી આપી ન હતી. સિનિયર અધિકારી મસાહિરો હયાત્સુએ રિપોર્ટર્સને કહ્યું કે, આ એકદમ અયોગ્ય કાર્ય છે અને અમે તે માટે માફી માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આ બુલેટ ટ્રેન કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.
ડ્રાઈવરનું કામ જરૂર પડવા પર મેન્યુઅલ બ્રેક લગાવવાનું અને યાત્રીઓને સમયસર પહોંચાડવા માટે ટ્રેનની સ્પીડ વધારવાનું હોય છે. જાપાનની ટ્રેન ઉચ્ચ સુરક્ષિત ગુણવત્તા માપદંડ સાથે બનાવવામાં આવે છે અને તેનાથી રેલવે દુર્ઘટના ભાગ્યે જ સર્જાય છે. મહત્વનું છે કે, જાપાનમાં મોટી રેલ દુર્ઘટના વર્ષ ૨૦૦૫માં થઈ હતી, જેમાં પશ્ચિમ શહેર અગામાસાકીમાં ટ્રેન પાટાઓ પરથી ઊતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦૭ લોકોના મૃત્યુ થયા હતા. શિંકાનસેન જાપાનનું બુલેટ ટ્રેન નેટવર્ક છે, જેમાં ૫૭ વર્ષના ઈતિહાસમાં ક્યારેય પણ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.