બ્યૂટી પાર્લરો ખુલતાં ૧૫૦૦૦ લોકોનું એડવાન્સ બુકિંગ થયું
રાજકોટ: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને બ્યુટીપાર્લરમાં ધસારો રહેતો હોય છે ત્યારે કોરોનાના કારણે સલૂનો બંધ કરાયા હતા. તેમાં છૂટછાટ મળતા જ બ્યુટીપાર્લરમાં અઠવાડિયાના એડવાન્સ બુકિંગ થઈ ગયા છે અને સૌથી વધુ બુકિંગ દુલ્હન દુલ્હાના થયા છે. આશરે ૧૫ હજારથી વધુના બુકિંગ થયા છે. શાજ-શણગાર માટે લોકો પોતાના વારાની રાહ જાેઈ રહ્યા છે. દુકાન ખોલવાની મંજૂરી મળી જતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે.
આજે સવારે ૯.૦૦ કલાકથી દુકાન શરૂ થઇ જશે. અત્યારે વેપારીઓને અડધો દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી છે. ગુરુવારે સરકારે અનલોકની જાહેરાત થતાં રાજકોટમાં મહિલાઓએ બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવ્યાં હતાં. લોકડાઉનને કારણે અત્યારસુધી બ્યુટીપાર્લર પણ બંધ હતા. બ્યુટીપાર્લર ખોલવાને મંજૂરી મળતાં ગુરુવારે સાંજે એડવાન્સ બુકિંગ થઇ ગયાં હતાં. રાજકોટમાં અંદાજિત ૧૫ હજારથી વધુ બુકિંગ થયાં છે
સૌથી વધુ હેર ટ્રીટમેન્ટ માટે બુકિંગ થયાં હોવાનું બ્યુટિશિયન કૃણાલભાઈ ગોહિલે જણાવ્યું હતું. સામાન્ય રીતે રાજકોટમાં ૧૦.૦૦ પછી બજાર ચાલુ થતાં હતાં, પરંતુ અત્યારે સવારના ૯.૦૦થી બપોરના ૩.૦૦ સુધી દુકાનો ખોલવાની મંજૂરી મળતાં હવે રાજકોટના બજાર સવારથી જ ખૂલી જશે. બપોરના ૩.૦૦ સુધી જ દુકાન ચાલુ રાખવાની મંજૂરી મળતાં વેપારીઓ લંચ બ્રેક સમયે દુકાન બંધ રાખવાનું ટાળીને પોતાનો વેપાર ચાલુ રાખ્યો હતો.