સગર્ભા માતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની અપાઈ
મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની આપી માતા અને બાળકોને સુરક્ષિત કરવાનો અભિગમ અપનાવાયો છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજવામાં આવ્યો હતો. ધારસભ્યશ્રી કનુભાઇ પટેલ તથા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણના પ્રમુખ સ્થાને બાવળા તાલુકાના કાવીઠા તથા સાણંદ તાલુકાના ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા થકી જ સ્વાસ્થ્ય સુરક્ષા શક્ય છે. વહીવટી તંત્ર દ્વારા અપાયેલી આ મચ્છરદાની વિશેષ છે મચ્છર તેના પર બેસે એટલે મૃત્યુ પામે છે. વાહકજન્ય રોગોના નિરાકરણ માટેની જિલ્લા આરોગ્ય શાખાની સક્રિય કામગીરીને આ તકે તેઓશ્રીએ બિરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. શિલ્પા યાદવ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગ ફેલાવતા મચ્છરોથી બચવા સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાનીના વપરાશ બાબતે જાણકારી આપવામાં આવી હતી અને આ માટે વાહકજન્ય રોગથી બચવા માટે પણ જનજાગૃતિ કેળવવા અનુરોધ ક્ર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ મચ્છરજન્ય (વાહકજન્ય) રોગો ન થાય અને અગાઉના વર્ષોની સાપેક્ષમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરાયા છે. જેમાં સર્વેલન્સ, બી.ટી.આઇ કામગીરી, અબેટ કામગીરી, ગપ્પી માછલી મુકવી, પોરાનાશક કામગીરી તથા ફોગીંગ, ચુનાનું ડસ્ટીંગ અને લાંબાગાળાની હવાયુકત મચ્છરદાની પુરી પાડી દરેક ગામોમાં જનજાગૃતિ કેળવવામાં આવી છે. જેના પગલે મચ્છરજન્ય રોગોમાં ધટાડો નોંધાયો છે.
ઉપરોક્ત કામગીરીને સતત ચાલુ રાખી, વેગવંતી બનાવી હજુ પણ મચ્છરજન્ય રોગોમાં ધટાડો થાય તેવા પ્રયત્નો જિલ્લા પંચાયત અમદાવાદની શાખા દ્વારા હાથ ધરાયા છે અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડ તથા ડૉ.રાકેશ એન.મહેતાએ મહિલાઓને મચ્છરોથી બચવાના ઉપાયોની જાણકારી આપી હતી. મચ્છર ચોવીસ કલાક કરડવાનું કામ કરતા હોવાથી સ્વચ્છતા રાખવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા મેલેરીયા, તાલુકા હેલ્થ ઓફીસર. ડૉ અલ્પેશ ગાંગાણી, જિલ્લા ડી.આઇ.ઇ.સી. અધિકારી શ્રી વિજય પંડીત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.