મારી માતા એકપણ દિવસ પિતા વિશે નકારાત્મક બોલી નથી
શ્રીદેવીના નિધન બાદ અર્જુન પિતા બોનીની નજીક આવ્યો, હું હંમેશાં મારી માતા, બહેન અને નાની સાથે રહેતો હતો
મુંબઈ: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે જણાવ્યું કે મારી માતા મોના કપૂર ક્યારેય પણ પિતા બોની કપૂર વિશે ખરાબ બોલી નથી. પ્રોડ્યુસર બોની કપૂરે ૧૯૮૩માં મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને ૧૯૯૬માં છૂટાછેડા લીધા બાદ એક્ટ્રેસ શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. મોના કપૂરનું વર્ષ ૨૦૧૨માં લાંબી બીમારી બાદ નિધન થયું હતું.
એક્ટર અર્જુન કપૂર, બોની કપૂર અને મોના કપૂરનો દીકરો છે. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જણાવ્યું કે મારી માતા મોના કપૂર ક્યારેય પણ બોની કપૂર માટે ખરાબ બોલી નથી.
વર્ષ ૨૦૧૮માં શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર ફરી એકવખત પિતા બોની કપૂરની નજીક આવ્યો અને તે દુઃખી સમયમાં પિતાની સાથે ઊભો રહ્યો. અર્જુન કપૂરે વધુમાં જણાવ્યું કે મારા પિતા બોની કપૂર કાર્યરત હતા અને પછી તેમણે ફરી એકવખત લગ્ન કરવાનું વિચાર્યું. પછી તેમનો અન્ય પણ એક પરિવાર હતો. મેં પિતા સાથે વધુ સમય પસાર કર્યો નથી.
હું હંમેશાં મારી માતા, બહેન અને નાની સાથે રહેતો હતો. સમજણશક્તિ મને માતા તરફથી મળી છે અને તેમણે મને ચોક્કસ રહેવાનું શીખવ્યું. તેણે વધુમાં જણાવ્યું કે મારી માતાએ મારા મનમાં ક્યારેય પણ પિતા પ્રત્યેની ખરાબ લાગણી આવવા દીધી નહીં. જેના કારણે આજે હું ખુલ્લા મનનો છે.
મારી માતા એકપણ દિવસ પિતા વિશે નકારાત્મક બોલી નથી. ત્યાંથી હું શીખ્યો અને આજે મને એ વાતનો ખ્યાલ આવ્યો કે હું કેમ પિતાને પ્રેમ કરું છું. મારા પિતા ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે એટલે મારી માતા તેઓને પ્રેમ કરતી હતી.