પતિ-સાસરિયાના ત્રાસથી મહિલાએ ફિનાઇલ પી લીધું
નણંદ પણ અવાર નવાર આવીને તેના ભાઈને કહેતી કે, તારી પત્ની એના બાપના ઘરેથી કાંઈ પણ લાવી નથી
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પર તેના સાસરિયાઓ એ ત્રાસ આપવામાં કોઈ કસર જ ન રાખી હોય તેવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વાત એમ છે કે, પરિણીતાએ પ્રેમ લગ્ન કરતા તેના માતા પિતાએ સંબંધ રાખ્યો ન હતો. બાદમાં સાસરિયાઓ કાંઈ લાવી નથી તેમ કહી કામવાળી બનાવીને આ યુવતીને રાખતા હતા. આટલું જ નહીં, તેની સામે ચોરીની ફરિયાદ પણ નોંધાવતા પરિણીતા જેલની હવા પણ ખાઈ ચૂકી હતી. પરિણીતાના સાસરા પક્ષના સભ્ય અને પતિના મિત્રો ગંદા ઈશારા પણ કરતા હતા. પતિ તેને સાસરે પરત ન લઈ જતા આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાપુનગરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૧૯માં માતા પિતાની મરજી વિરુદ્ધ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ સાસરે રહેવા ગઈ ત્યારે સાસરિયાઓ એ તેને ઘરકામ કરવાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં પ્રેમ લગ્ન કરીને આવી છે કરિયાવરમાં કાંઈ લાવી નથી. તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓ અવાર નવાર આ યુવતીને કાંઈ લાવી નથી એટલે નોકરાણી બનીને રહેવું પડશે તેમ કહી ત્રાસ આપતા હતા. નણંદ પણ અવાર નવાર આવીને તેના ભાઈને કહેતી કે, તારી પત્ની એના બાપના ઘરેથી કાંઈ લાવી નથી તો ઘરના બધા કામ કરાવજે ન કરે તો કાઢી મૂકજે. આટલું જ નહીં, પરિણીતાનો જેઠ અવાર નવાર કોઈ બહાના કરી ઘરે આવી આ યુવતીને ખરાબ નજરે જાેતો અને બીભત્સ ગંદા ઈશારા પણ કરતો હતો.
આ વાત યુવતી તેના પતિને કહે તો તેનો વાંક કાઢી માર મારતો હતો. પરિણીતા પણ લાચાર હતી તેના માતા પિતા તેને બોલાવતા ન હોવાથી તે આ ત્રાસ સહન કરતી હતી. વર્ષ ૨૦૨૧માં પરિણીતા પર ચોરીનો આક્ષેપ મૂકી તેની સામે સાસરિયાઓએ ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી. ૧૫ દિવસ જેલમાં રહી આ યુવતી જામીન પર બહાર આવી હતી. બાદમાં તે તેની બહેન બનેવીના ઘરે રોકાઈ હતી. ત્યાં તેનો પતિ અને મિત્રો આવીને તેને ગંદા ઈશારા કરી છેડતી કરતા હતા.
ત્યાં આ યુવતીએ બહેન બનેવી સાથે ઝગડો કરી પોતાના પતિ પાસે રહેવા જવા નીકળી હતી. પણ સાસરિયાઓ એ ફોન પર આવવાની ના પાડતા આ પરિણીતાએ કરિયાણાની દુકાનેથી ફીનાઇલની બોટલ લઈ આપઘાતનો પ્રયાસ કરતા બાપુનગર પોલીસને જાણ થઈ હતી. બાપુનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.