મિશન દિલ્હી : કેજરીવાલથી હિસાબ માંગવા માટે આદેશ
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આના માટેની રણનિતી પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહ તૈયારી શરૂ કરી ચુક્યા છે. પાર્ટી પ્રમુખ અમિત શાહે દિલ્હી ભાજપના નેતાઓની સાથે બેઠક કરી લીધી છે. સાથે સાથે તેમની સાથે ચૂંટણી રણનિતી પર ચર્ચા ચાલી રહી છે.
કેજરીવાલ સરકારને ભીંસમાં લેવા માટે ભાજપ તરફથી રણનીતિ તૈયાર થઇ રહી છે. કેન્દ્રીયમંત્રી હર્ષવર્ધનને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી સાથે જાડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોક્રેટ્સ સાથે સંકલન જાળવીને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી મેળવવા અને લોકો સુધી કેટલી યોજનાઓના લાભ પહોંચ્યા છે
તે અંગે માહિતી મેળવવા કહેવામાં આવ્યું છે. અમિત શાહે કેજરીવાલને તેમની યોજનાથી જ પછાડાટ આપવાની તૈયારી કરી છે. કેજરીવાલે ૨૦૧૩ની ચૂંટણીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી.
પાર્ટી અધ્યક્ષના નિર્દેશ બાદ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ નિર્ણય કર્યો છે કે, દિલ્હી ભાજપ દ્વારા તમામ ૧૪ જિલ્લામાં દિલ્હી બચાવો પરિવર્તન રેલી યોજવામાં આવશે. તેમના હેઠળ હવે દિલ્હીના તમામ ૭૦ વિધાનસભા ક્ષેત્રોમાં સંપર્ક કામગીરી હાથ ધરાશે. શાહે વિશેષરીતે ગેરકાયદે કોલોનીને નિયમિત કરવા, ઝુંપડપટ્ટીમાં રહેનારને પાકા મકાન આપવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ આયુષ્યમાન યોજના જેવી લાભકારી યોજનાઓને દિલ્હીમાં લાગૂ ન કરવાને લઇને કેજરીવાલ સરકારને ચારેબાજુથી ઘેરવા માટેની નીતિ તૈયાર કરાઈ છે.
શાહે આ બાબત પર વધારે ધ્યાન આપ્યુ છે કે દિલ્હી ભાજપના નેતાઓ કેજરીવાલ સરકારને સતત પ્રશ્નો પુછવાનો સિલસિલો શરૂ કરે. આના કારણે પાર્ટીને સીધો લાભ થશે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે વચનો આમ આદમી પાર્ટી દ્વારા આપવામા ંઆવ્યા હતા તે વચનો પાળવામાં આવી રહ્યા છે કે કેમ. આને લઇને તમામ તૈયારી શરૂ કરવામા ંઆવી ચુકી છે. અમિત શાહે કેન્દ્રિય પ્રધાનોની સાથે પણ બેઠક કરી છે.
કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભ દિલ્હીની પ્રજાને મળે તેની ખાતરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મનોજ તિવારીની સાથે મળીને આ સંબંધમાં રણનિતી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે. અમિત શાહના આવાસ પર આ સંબંધમાં લાબી બેઠક થઇ ચુકી છે.
જેમાં મનોજ તિવારી સહિતના પાર્ટીના સાત લોકસભા સાંસદ, ચાર ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ વિજય ગોયલ પણ હાજર રહ્યા હતા. કોર કમિટીના સભ્યો અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. કેજરીવાલના પ્લાનથી તેમને પછડાટ આપવા માટેની તૈયારી કરવામાં આવી ચુકી છે. દિલ્હી સરકાર લોકોને આકર્ષિત કરવા મુદ્દા રજૂ કરી રહી છે.