LG હૉસ્પિટલમાં સફાઈ કામદારોનો હોબાળો
વર્ગ ૪ના કર્મીને સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ
અમદાવાદ, અમદાવાદ શહેરની એલજી હૉસ્પિટલમાં કમલેશભાઇ વાઘેલા નામના કાયમી થયેલા સફાઇ કામદારના મોતથી હોબાળો મચ્યો છે. હૉસ્પિટલનાં અન્ય સફાઇ કામદારો તથા પરિવારે આક્ષેપ કર્યો છે કે, કમલેશભાઇ નામના કર્મચારીને હાર્ટઅટેક આવ્યો હતો જે બાદ તેમને એલ.જી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા અને એલજીમાં સારવાર નહિ મળતા તેમનું મોત નીપજ્યું છે.
હાલ આ એલજી હૉસ્પિટલનાં તમામ સફાઇ કામદારો કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવી રહ્યાં છે. હાલ મોટી સંખ્યામાં સફાઇ કામદારો માસ્ક પહેરીને ભેગા થયા છે. જેના કારણે હૉસ્પિટલની અંદરનું સફાઇ કામકાજ ઠપ્પ થયું છે. મૃતક કમલેશભાઇ વાઘેલાનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, કમલેશભાઇને ગઇકાલે રાતે હાર્ટએટેક આવ્યો હતો.
જે બાદ તેમને એલ.જી. હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા પરંતુ ત્યાં તેમને યોગ્ય સારવાર આપવામાં ન આવતા કમલેશભાઇનું મોત નીપજ્યું છે. આજે સવારથી એલજી હૉસ્પિટલનાં પ્રાંગણમાં જ તમામ સફાઇ કર્મીઓ ભેગા થઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેઓ નારા પણ લગાવી રહ્યાં છે કે, કમલેશભાઇને ન્યાય આપો.
આ ઉપરાંત તેમણે સુપરિટેન્ડન્ટ ઓફિસનો પણ ઘેરાવો કર્યો હતો. આજે એલ.જી. હૉસ્પિટલનાં વર્ગ ચારનાં સફાઇ કર્મીઓ કામથી પણ અડગાં રહ્યાં છે. ત્યારે એકબાજુ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે અને બીજી બાજુ આ વિરોધ પ્રદર્શન
ચાલી રહ્યું છે.