બાબા રામદેવે એલોપેથી અંગેનું નિવેદન અંતે પાછું ખેંચી લીધું
નવી દિલ્હી, યોગ ગુરૂ બાબા રામદેવે ડોક્ટરો અને એલોપેથીને લઈને આપેલું પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછુ લઈ લીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને બાબા રામદેવને પત્ર લખ્યો હતો ત્યારબાદ તેમણે આ નિવેદન પાછું લીધું છે.
ટિ્વટર પર કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતા લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો, તે અંગે સારવારની પદ્ધતિઓના સંઘર્ષના આ સમગ્ર વિવાદને પૂરો કરતા હું મારું નિવેદન પાછું લઉ છું અને આ પત્ર તમને મોકલી રહ્યો છું. રામદેવે પતંજલિના લેટરપેડ પર પોતાની સફાઈમાં જણાવ્યું છે કે, અમે આધુનિક તબીબી સારવાર અને એલોપેથીના વિરોધી નથી.
અમે માનીએ છીએ કે જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે. આ માનવતાની સેવા છે. જે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે તે કાર્યકર્તાઓ સાથેની એક બેઠકનો છે. જેમાં તેમણે વોટ્સએપ પર આવેલા એક મેસેજને વાંચીને સંભળાવ્યો હતો. પરંતુ જાે તેનાથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી છે તો તેમનો મને અફસોસ છે.