અભિનેતા સોનુ સૂદે યુવકને નોકરી મેળવવામાં મદદ કરી
ગયા વર્ષે લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારથી અભિનેતા સોનુ સૂદ ભારતીય નાગરિકોને સતત મદદ કરી રહ્યો છે
મુંબઈ: ગયા વર્ષે લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારથી, બોલિવુડ એક્ટર સોનુ સૂદ ભારતીય નાગરિકોને સતત મદદ કરી રહ્યો છે. તેણે ગયા વર્ષે હજારો પ્રવાસી મજૂરોને મદદ કરી હતી. આ સિવાય તેણે મુંબઈ પોલીસ સમક્ષ પણ મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. અગણિત દાન કરવા સિવાય, સોનુ સૂદ અને તેની ટીમ લોકોની મદદ કરવા માટે સતત કામ કરી રહી છે. એક્ટર પોતે ટિ્વટર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મદદનો પોકાર કરનારને અંગત રીતે જવાબ આપી રહ્યો છે.
એક્ટર જરૂરિયાતમંદોને ઓક્સિજનની ડિલિવરી અને દવાઓ પહોંચાડવા સિવાય કોવિડ-૧૯ના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ કરાવી રહ્યો છે. આ રવિવારે, ઘણા લોકો મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા સોનુ સૂદના ઘર પાસે મદદ માગવા માટે આવ્યા હતા. એક્ટર તરત જ નીચે દોડી આવ્યો હતો અને તેમની વ્યથા સાંભળી હતી. આટલું જ નહીં તેમના પ્રશ્નોનો ઉકેલ પણ લાવ્યો હતો. સોનુ સૂદના ઘર બહારથી સામે આવેલી તસવીરોમાં એક વૃદ્ધ મહિલા તેને ડોક્યુમેન્ટ દેખાડતી જાેવા મળી રહી છે. એક્ટરે એક યુવકને પણ નોકરી મેળવવામાં મદદ કરી હતી.
નોકરી મળતા યુવક સોનુ સૂદ સામે રડવા લાગ્યો હતો અને તેના પગે પડી ગયો હતો. આ સિવાય વૃદ્ધ મહિલાને પણ મદદ મળતા થોડી ભાવુક થઈ ગઈ હતી અને એક્ટરને પગે લાગવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, સોનુ સૂદે વૃદ્ધ મહિલાને ‘તમે આ શું કરી રહ્યા છો? પ્લીઝ તેમ ન કરો’ તેમ કહીને પગે પડતા રોકી લીધી હતી. સોનુ સૂદે હાલમાં જ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કોરોનાના દર્દીનો જીવ ન બચાવી શકવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેણે લખ્યું હતું કે, ‘એક દર્દી જેને તમે બચાવવા માગો છો, પરંતુ જ્યારે તમે તેને ગુમાવી દો છો ત્યારે એવું લાગે છે કે, તમે પોતાની કોઈ વ્યક્તિને ગુમાવી છે. સાથે જ તે વ્યક્તિના પરિવાર સામે જવું મુશ્કેલ બની જાય છે, જેને તમે બચાવી લેવાનું વચન આપ્યું હતું. આજે મેં કેટલાકને ગુમાવ્યા છે. જે દર્દીના પરિવારની સાથે તમે દિવસમાં ૧૦ વાર સંપર્કમાં રહો છો, તે પરિવારે પોતાના સભ્યને હંમેશા માટે ગુમાવી દીધો હોય છે. આવી સ્થિતિમાં હું લાચાર અનુભવું છું.