Western Times News

Gujarati News

દાહોદમાં છેલ્લા ચાર મહિનામાં ૪૦૦ માતાઓને મમતા કીટસનું વિતરણ

 

‘બેટી બચાવો, બેટી પઢાવો’ સૂત્રના લોગો સાથે ૨૦૦ સરકારી કચેરીઓમાં વોલક્લોકનું વિતરણ

દાહોદ: કોરોનાના બીજી લહેરમાં દાહોદમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે વિભાગ દ્વારા ૮૦૦૦ થી વધુ માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિના બાદ જિલ્લામાં માતા બનનારી ૪૦૦ મહિલાઓને મમતા કિટસ આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રોહન ચૌધરી જણાવે છે કે, છેલ્લા ચાર મહિનામાં ૪૦૦ માતાઓને મમતા કિટસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કીટસમાં શિશુ માટેના ઝભલાં, રમકડા, મચ્છરદાની, હિમાલયા કંપનીની માલિસના તેલ, શેમ્પુ, સાબુ, પાઉડર સહિતની ૭૦૦ રૂ.ની કિટસ હોય છે.

જિલ્લાના દરેક તાલુકામાં કચેરી દ્વારા કિશોરી મેળા કરવામાં આવ્યા છે અને કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી અડધેથી શિક્ષણ ના છોડવા સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના અંગે પણ જાગૃત રહેવા જણાવવામાં આવે છે અને માસ્ક વિતરણ કરી માસ્ક અવશ્ય પહેરવા સલાહ આપવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મુખ્યત્વે બાળકોના શારીરિક-માનસિક-સામાજિક વિકાસ તેમજ બાળકોના સ્વાસ્થ માટે કામ કરી રહ્યું છે અને બાળમૃત્યુ, કુપોષણ સામે લોકોજાગૃતિ તેમજ મહિલાઓના સર્વાગી વિકાસ માટે કામગીરી કરે છે.

આ ઉપરાંત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત લોકજાગૃતિ વિવિધ કાર્યક્રમો થકી સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ ૨૦૦ જેટલી સરકારી કચેરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ લોગો સાથેની વોલક્લોક આપવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા કલેકટર ક્ચેરીના નાયબ મામલતદાર શ્રી દીપક મોદી તથા શ્રી બ્રિજેશ પ્રજાપતિએ સંભાળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.