Western Times News

Gujarati News

ટ્રેક્ટરની ટ્રોલીમાં જાડું પ્લાસ્ટિક પાથરી પાણીથી છલોછલ ભરી ગામમાં કરે છે પાણી વિતરણ

મેરીયાણા ગામના કાળુભાઈએ ગ્રામજનોને પાણી પહોંચાડવા અપનાવી અનોખી યુક્તિ

અમદાવાદ: સાવરકુંડલાના ૨ હજારની વસ્તી ધરાવતા મેરીયાણા ગામના શ્રી કાળુભાઈ પટગીરે ગ્રામજનોને પાણીની વ્યવસ્થા કરવા માટે એક અનોખી યુક્તિ અપનાવી છે. ખેતીના ઉપયોગ માટેના પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં જાડું પ્લાસ્ટિક પાથરી છલોછલ પાણી ભરી ગ્રામજનો સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે.

કાળુભાઇ આ અંગે વાત કરતા જણાવે છે કે તાજેતરમાં ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના લીધે અમારા ગામમાં વીજપોલ ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો છે. જેના લીધે પાણીની મોટર, સબમર્સીબલ પમ્પ તેમજ અન્ય વીજ ઉપકરણો ચાલુ ન હોવાથી ગ્રામજનોને પાણીની સમસ્યા હતી.

આ દરમિયાન પાણી લાવવા માટે ગોડાઉનમાં પાથરવાના જાડા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની યુક્તિ સુજી. ટ્રેક્ટરની ટ્રોલીમાં જાડું પ્લાસ્ટિક પાથરી ચારેતરફથી દોરી વડે બાંધી દીધું જેથી થોડી સરળતા રહે. ત્યારબાદ વાડીઓ અને ખેતરોમાં મશીનવાળા પમ્પમાંથી પાણી ભરી ગામમાં લાવ્યા. આ પ્રયોગ સફળ રહેતા અમે અન્ય ગ્રામજનોનો સહયોગ લઈને અમે વાડીઓમાંથી પાણી લાવી ગામમાં પહોંચાડ્યું છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અમારા ગામમાં વાવાઝોડાને લીધે મોટું નુકસાન થયું છે. હાલ વહીવટી તંત્રની ટીમો સર્વે તેમજ અન્ય કામગીરી માટે સતત ગામમાં ખડેપગે છે. રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય પણ ટૂંકસમયમાં મળે એવી આશા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.