લગ્નમાંથી પરત આવતા ત્રણ યુવાનોના ટ્રક ટક્કરે મોત
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ-ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ ત્રણ યુવાનના મોતઃ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજકોટ, જિલ્લામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. લગ્નમાંથી પરત ફરેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત એટલો વિચલીત હતો કે, યુવાનોના માથા છૂંદાઈ ગયા હતા, સ્થળ પર હાજર લોકો પણ જાેઈ ના શકે તેવી હાલત થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના વંથલી ગામના ત્રણ જેટલા મુસ્લિમ યુવાનો ધોરાજી ખાતે લગ્ન પ્રસંગ અર્થે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે રાત્રીના સાડા અગિયાર વાગ્યે નીકળ્યા હતા. આ દરમિયાન ધોરાજી જૂનાગઢ રોડ પર આવેલા વે બ્રિજ પાસે બે બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.
જ્યારે કે અકસ્માતમાં ઈજા પામેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે સૌપ્રથમ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી તો સાથે જ ઘટનાના કારણે એકઠા થયેલા લોકોના ટોળાને વિખેરવા નો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસે આઈપીસીની કલમ ૨૭૯, ૩૦૪, ૩૩૭, ૩૩૮ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલક ની શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસને અકસ્માતના સીસીટીવી મળી આવ્યા છે, ટુંક સમયમાં જાહેર કરશે. પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્તાક મિયા વંથલીમાં મજૂરી કામ કરતો હતો
જેણે સંતાનમાં ત્રણ જેટલા બાળકો પણ છે ત્યારે પિતાનું અવસાન થતાં ત્રણ જેટલા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે મૃત્યુ પામેલા અન્ય બે યુવાનો અપરણિત હોવાનું સામે આવ્યું છે. આમ, વંથલીના ત્રણ જેટલા મુસ્લિમ યુવાનો ના મૃત્યુ નિપજતા મુસ્લિમ સમાજમાં ગમગીની નો માહોલ છવાયો છે.
મૃત્યુ તમને ત્રણ યુવાનો માં એક યુવાનનું નામ સોહીલ હોવાનું સામે આવ્યું છે જે તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બનાવ બાબતે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હોવાનું સામે આવ્યો છે, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલકને પકડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે.