સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસને હરાવી સાજા થયેલા ત્રણ મહિલા દર્દીઓને રજા આપવામાં આવી
ડરવાની જરૂર નથી. સમયસર નિદાન કરાવવાથી ગંભીર સ્થિતિમાંથી બચી શકાય છે
વડોદરા: સયાજી હોસ્પિટલ માટે સોમવાર સારો દિવસ હતો.કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે ઘણાં લાંબા સમય પછી કોરોના ઓપીડી સૂમસામ છે અને કોઈ દર્દી જોવા મળતો નથી.
હાલમાં જ તેમણે કોરોનામુકત થઈ ફરીથી નોડલ અધિકારીની ફરજો સંભાળી લીધી છે.તેમના પત્ની પણ કોરોનાગ્રસ્ત થયાં હતા.તેમ છતાં, તેઓ ફરીથી કામે લાગી ગયાં છે. તેમણે જણાવ્યું કે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં સહુ રાહત અનુભવી રહ્યાં છે. કાન, નાક અને ગળાના વિભાગ હેઠળના મ્યુકરમાયકોસિસ વોર્ડમાંથી પણ આજે સારા સમાચાર મળ્યા છે.આજે એકાદ મહિનો કે તેથી વધુ સમયની સઘન સારવાર પછી એક સામટા ત્રણ મહિલા દર્દીઓ ઉપરોક્ત બીમારીમાંથી સાજા થયાં છે.
આ દર્દીઓ ભરૂચ,અંકલેશ્વર અને વડોદરાના છે જેમની અહી સઘન સારવાર અને જરૂરી શસ્ત્રક્રિયા કરવામાં આવી.મોંઘા ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપવામાં આવી અને સર્જરી કરીને વધુ અસરગ્રસ્ત ભાગ કાઢવામાં આવ્યો.આ તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.
આ રોગમુક્ત બહેનો એ જણાવ્યું કે અહી તબીબો, સારવાર અને સ્ટાફ,બધું સારૂ છે.સમયસર સારવાર કરાવવામાં આવે, ડર્યા વગર દવાખાને જાવ તો તકલીફ વધતી નથી એવું આ બહેનોનું કહેવું હતું. ફરજ પરના તબીબે જણાવ્યું કે કોરોના પછી હાલમાં આ રોગની અસર જોવા મળી રહી છે જેમાં સમયસર તબીબી સલાહ અને રોગ નિદાન સારૂ પરિણામ આપે છે.
આ ત્રણેય મહિલા દર્દીઓને બાયોપ્સી અને ફંગસ કલ્ચરને આધારે સારવાર આપવામાં આવી.એક દર્દીની આંખને વધુ અસર થવાથી સર્જરી કરી આંખ કાઢવી પડી.આ રોગને કારણે જ્યારે દવા પહોંચી શકે નહિ એવા ભાગોને અસર થાય છે ત્યારે શસ્ત્રક્રિયાથી તે કાઢવો પડે છે. રોગના લક્ષણો જણાય તો ડર રાખ્યા વગર તબીબી સલાહ લેવી જોઈએ.
સયાજી હોસ્પિટલમાં અલગ વોર્ડ શરૂ કરી સારવાર આપવામાં આવી રહી છે.આ રોગ ચેપી નથી એટલે દર્દી સાથે એના સ્વજનો રહી શકે છે અને દર્દીનું એકલવાયા પણું ટળે છે એ સહુ થી સારી વાત છે.જ્યાં ડર ત્યાં હાર…ભય છોડો, સારવાર લો તો રોગ મુક્તિ શક્ય છે એ સંદેશો આ ત્રણ મહિલા દર્દીઓની સાજગીમાંથી મળે છે.