અકસ્માતમાં નિશાન રહી જતા પતિએ છુટાછેડા માગ્યા
મહિલા લગ્ન બાદ કરિયાવરમાં કાંઈ લાવી નથી તેમ કહી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું
અમદાવાદ: શહેરમાં પતિ પત્નીની વિચિત્ર કહાની સામે આવી છે. મહિલા નોકરીએ જતી હતી ત્યારે તેનો અકસ્માત થતા તેને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી હતી. સારવાર બાદ મહિલાને મોં અને નાકના ભાગે ઇજાઓના નિશાન રહી જતા પતિને ગમ્યું ન હતું અને પત્નીને તું મને ગમતી નથી છૂટાછેડા આપી દે તેમ કહી ત્રાસ ગુજાર્યો હતો. સમગ્ર બાબતને લઈને મહિલાએ સોલા પોલીસને અરજી આપતા પોલીસે આ મામલે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સોલા વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૦માં ગાંધીનગરના ઝુંડાલ ગામે રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ આ મહિલા તેના સાસરે રહેવા આવી હતી અને સહિયારા કુટુંબમાં રહેતી હતી. લગ્ન બાદ કરિયાવરમાં કાંઈ લાવી નથી તેમ કહી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે બોલાચાલી કરી મહિલાને માર મારતો હતો. મહિલાની નણંદ પણ ચઢામણી કરી મહિલાને ત્રાસ આપતી હતી.
વર્ષ ૨૦૧૩ માં જ્યારે મહિલા નોકરીએ જતી હતી ત્યારે તેનો અકસ્માત થતા તેને સોલા સિવિલમાં ખસેડી હતી. સારવાર દરમિયાન મહિલાની સાસુ કે પતિ તેની એક વાર ખબર અંતર પૂછવા આવ્યા હતા અને બાદમાં તેની દરકાર પણ લીધી ન હતી. મહિલાને અકસ્માતને કારણે નાક અને મોં પર ઇજાઓના નિશાન રહી જતા પતિએ તું મને ગમતી નથી છૂટાછેડા લેવા છે કહીને મહિલાને ત્રાસ આપ્યો હતો. સારવાર બાદ પણ મહિલાને તેનો પતિ ત્રાસ આપતો અને તેની નણંદ સહિતના લોકો ત્રાસ આપતા હતા. જેથી મહિલાએ પોલીસને બોલાવી હતી. જાેકે તે સમયે સમાધાન થયું હતું. બાદમાં મહિલાએ આ અંગે અરજી કરતા સોલા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી સાસરિયાઓ સામે તપાસ શરૂ કરી છે.