ઝારખંડમાં ૩૭ ટકાથી વધુ કોરોના વેક્સીન બરબાદ થાય છે
નવીદિલ્હી: કેન્દ્ર સરકારના મહિલા અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-૧૯ વેક્સીનેશન અને કોવીન સોફટવેરમાં આપવામાં આવેલી ફ્લેકસીબિલીટી વિશે રિવ્યૂ મીટિંગ કરી હતી. આ દરમિયાન કેન્દ્ર તરફથી બાંહેધરી આપવામાં આવી હતી કે વપરાશના આધારે કોરોના વેક્સીનની સપ્લાય જે-તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશને આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વેક્સીનના બગાડ સામે પણ કેન્દ્રએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં સૌથી વધુ ઝારખંડમાં વેક્સીનનો બગાડ થાય છે.
આ મીટિંગ કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશમાં વેક્સીનેશન ડ્રાઇવની પ્રગતિ તથા જે રાજ્યોમાં રસીકરણની ધીમી પ્રક્રિયા છે તેના વિશે વિસ્તારથી રજૂઆત કરવામાં આવી હતી. આ મીટિંગમાં વેક્સીનેશનની પ્રક્રિયાને વધુ વેગ આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.
કેન્દ્ર સરકાર તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં વેક્સીન વેસ્ટેજને ૧ ટકાથી નીચે રાખવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેમાં ઝારખંડ (૩૭.૩ ટકા), ચંદીગઢ (૩૦.૨ ટકા), તમિલ નાડુ (૧૫.૫ ટકા), જમ્મુ અને કાશ્મીર (૧૦.૮ ટકા), મધ્ય પ્રદેશ (૧૦.૭ ટકા)માં વેક્સીન વેસ્ટેજનું વધુ પ્રમાણ જાેવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય વેક્સીન વેસ્ટેજ ૬.૩ ટકા છે.
કેન્દ્રીય હેલ્થ સેક્રેટરીએ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપીલ કરી કે એપમાં આપવામાં આવેલી ફ્લેક્સીબિલીટીનો પૂરે પૂરો લાભ ઉઠાવે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ સ્ટોકના આધારે વેક્સીનેશનના કવરેજને વધારે અને જૂનના અંત સુધીમાં સપ્લાય વધવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.
મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચન કરવામાં આવ્યું છે કે જિલ્લા મુજબ અને કોવિડ વેક્સીનેશન સેન્ટરના આધારે ૧૫ જૂન સુધીનો એક્શન પ્લાન તૈયાર કરો. આ પ્લાનને અનેક માધ્યમોનો ઉપયોગ કરી તેને લોકો સુધી પહોંચાડો. આ ઉપરાંત સૂચન કરવામાં આવ્યું છે કે વિકેન્દ્રીય કોમ્યુનિકેશન સ્ટ્રેટજીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સીનેશનને ઊભી થયેલી ખોટી માન્યતાઓને દૂર કરી શકાય.
એડિશનલ હેલ્થ સેક્રેટરીએ કોવિન ડિજિટલ પ્લેટફોર્મમાં ઉમેરવામાં આવેલા નવા ફીચર અને સરળ રજિસ્ટ્રેશન પદ્ધતિ વિશે જણાવ્યું. આ એપમાં હવે કોવીશિલ્ડ અને કોવેક્સીન ઉપરાંત સ્પૂતનિક-ફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એપમાં એવી સુવિધા પણ ઉમેરવામાં આવી છે જેનાથી અપોઇનમેન્ટ રિશ્યૂડ પણ કરી શકાય છે.