ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનો હાહાકાર; ૨૦૦થી વધારે દર્દીઓએ આંખો ગુમાવી
અમદાવાદ, અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય રેહાના બાનુ શેખ એપ્રિલ મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના સામેની તેમની જંગ સરળ નહોતી. તેમણે ૧૪ દિવસ હોસ્પિટલમાં રહેવુ પડ્યુ હતું જ્યાં તેમને ઓક્સિજન ચઢાવવામાં આવતો હતો અને સ્ટેરોઈડના ઈન્જેક્શન પણ આપવા પડ્યા હતા.
રેહાના બાનુ પોતાનો અનુભવ શેર કરીને જણાવે છે કે, મેના બીજા અઠવાડિયામાં મારા જમણા ગાલમાં સોજાે આવી ગયા હતો. ચહેરાના સ્નાયુઓ સુન્ન મારી ગયા હતા. જ્યારે સ્થાનિક ડોક્ટર પાસે ગઈ તો તેમણે મ્યુકોર હોવાની આશંકા વ્યક્ત કરી અને મને સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપી.
નાક અને સાઈનસમાંથી ફંગસને દૂર કરવા માટે રેહાના બાનુની એક સર્જરી કરવામાં આવી છે અને જમણી આંખમાંથી ફંગસ દૂર કરવા માટેની સર્જરી ટુંક સમયમાં કરવામાં આવશે. ડોક્ટર જણાવે છે કે, જમણી આંખની દ્રષ્ટિ તેઓ સંપૂર્ણપણે ગુમાવી ચુક્યા છે અને ડાબી આંખમાં ૫૦ ટકા દ્રષ્ટિ છે. અમારો પ્રયત્ન છે કે તેમની ડાબી આંખ બચાવી લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે મ્યુકોરની આ લહેરમાં રેહાનાબાનુ એકમાત્ર દર્દી નથી જેમણે આંખ ગુમાવી છે. ગુજરાતમાં અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસના ૨૦૦૦થી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. કેડી હોસ્પિટલના ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન ડોક્ટર સપન શાહ જણાવે છે કે, મેં પાછલા એક મહિનામાં લગભગ ૪૫ લોકોની આંખ કાઢી છે. આ તમામ દર્દીઓને મ્યુકોરમાઈકોસિસને કારણે ઈન્ફેક્શન થયુ હતું.
જે ૪૫ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી છે તેમાંથી એક દર્દીની ઉંમર માત્ર ૧૬ વર્ષ હતી અને પાંચ દર્દીઓ એવા હતા જેમની ઉંમર ૩૦ વર્ષ કરતા ઓછી છે. આ જ હોસ્પિટલના ઓપ્થાલમોલોજી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડોક્ટર અનુજા દેસાઈ જણાવે છે કે, જાે દર્દીઓ મ્યુકોરના પ્રાથમિક લક્ષણોને ઓળખી જાય, જેમ કે નાકમાંથી લોહી નીકળવું, મોઢામાંથી દુર્ગંધ આવવી, મોઢું સુજી જવું અથવા દુખાવો થવો, તો તેમની આંખ બચાવી શકાય છે. પરંતુ જાે ફંગસ વધી જાય તો જીવ બચાવવા માટે આંખ કાઢવી પડે છે.
માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ લગભગ ૩૦ દર્દીઓની આંખની સર્જરી કરવામાં આવી છે અને ૫૦ જેટલા દર્દીઓ પોતાના વારાની રાહ જાેઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટન્ડન્ટ ડોક્ટર જે.પી. મોદી જણાવે છે કે, મંગળવાર ની સાંજ સુધીના આંકડાની વાત કરીએ તો સિવિલમાં મ્યુકોરના ૩૬૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ફંગલ ઈન્ફેક્શનની અત્યાર સુધી ૨૪૩ સર્જરી કરવામાં આવી છે. અમુક દર્દીઓને હજી પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે અમુકને રજા આપી દેવામાં આવી છે.