Western Times News

Gujarati News

ઘરમાં સુખ તથા શાંતિ રાખવી છે?…..પોતાનાં હાથમાં જ છે

ઇમારત હાથથી બનાવવામાં આવે છે જ્યારે ઘર હ્રદયથી બનતું હોય છે. ઇમારત બનાવવા રેતી, પથ્થર તથા સીમેંટની જરૂરત પડતી હોય છે. જ્યારે લાગણી, પ્રેમ તથા સંતોષથી બનતું ઘર એક મંદિર બની જાય છે.

ઇમારત બનાવવા સરકારની પરવાનગી લઇને તથા કાયદા- કાનૂનનાં સંકજામાં રહીને બનાવવામાં આવે છે જ્યારે ઘર કુટુંબ ભાવનાથી બનતું હોય છે. ઇમારત બનાવવા પૈસાની જરૂર પડે છે જ્યારે ઘર બનાવવા ભાઇચારાની જરૂર પડે છે.

કહે શ્રેણુ આજ હશે જે પરિવારમાં ત્યાગભાવના, નિખાલસતા તથા શિષ્ટાચાર,
હશે જે પરિવારમાં કુટુંબભાવના, પ્રામાણિકતા તથા સદાચાર
ત્યજીને ઈર્ષ્યા, અદેખાઇ, સ્વાર્થવૃતિ અને અહમ્‌ પરિવારમાં,
સુખ શાંતિ વસાવીને, બનાવી દો ઘરને એક મંદિર.

ઘરને સુશોભિત કરવા રાચરચીલા, કીંમતી ગાલીચા તથા પડદા, વિદેશી ઇલેક્ટ્રિક ફીટીંગ્સ, શો પીસીસ, ડ્રેસિંગ ટેબલ તથા વિવિધ જાતના વોલ પેપરસ્ની જ રૂરત પડે છે જ્યારે ઘરમાં હરહમેંશ સુખ તથા શાંતિ રાખવા માટે અરસપરસ લાગણી રૂપી હોજ તથા પ્ર્રેમ રૂપી ફુવારાની જરૂરત પડતી હોય છે.

જે ઘરમાં વડીલ પોતે પોતાની મર્યાદામાં રહીને પરિવારનાં બીજા સભ્યો સાથે સારી વર્તણુકથી વર્તશે તો બીજા સભ્યો પણ તેવા સુસંસ્કાર અપનાતા ઘરમાં સુખ શાંતિ વ્યાપેલી રહેશે.

રસોડામાં વાસણો સાથે ગોઠવતા એક બીજા સાથે અથડાવાની શક્યતા હોય છે તેવી જ રીતે પરિવારમાં સભ્યો સાથે રહેતાં કોઇક કૉઇક વખત મતભેદ થઇ શકે પરંતુ મતભેદમાંથી મનભેદ ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. પ્રામાણિકતા, ત્યાગવૃતિ, સૌમ્ય સ્વભાવ, નિખાલસતા, નિસ્વાર્થપણું, કુટુંબભાવના, સંતોષ તથા અહેસાન કરવાની ભાવના, શિષ્ટાચાર તથા ધીરજ ધરાવનાર સભ્યોના પરિવારમાં સુખ અને શાંતિ હમેંશા રહેશે તથા આ જમાનામાં આવા સભ્યોની રહેણીકરણીથી સંયુક્ત કુટુંબમાં પણ સુખ, શાંતિ તથા સંતોષ પ્રર્વતતા રહેશે.

ઈર્ષ્યા, અદેખાઇ, વેરભાવના, સ્વાર્થવૃતિ, અહમ્‌ ,અભિમાન તથા નિંદાને મનમાંથી તિલાંજલિ અપાતાં તે પરિવારનાં સભ્યોમાં ઝગડો કે કલહ-કંકાસ થવાનો અવકાશ રહેતો જ નથી.

કહે શ્રેણુ આજ
ન કર નિંદા કે દેખાદેખી, ન કર દલીલ કે વાદ-વિવાદ પરિવાર મહીં,
નહિતર થઇ જશે કલહ-કંકાસ કે થઇ જશે મનભેદ ઘર મહીં.
હસતા રહો, રમતા રહો, કરતાં રહો પ્રેમ એકબીજાને પરિવારમાં,
રહેશે પરિવાર આનંદ કિલ્લોલ કરતું હરહમેંશ, બનાવી ઘરને એક મંદિર.

કોઇક કોઇક વખત મનદુઃખ કે અશાંતિ ફેલાતા, પરિવારનાં સભ્યોએ અપમાનનો ઘૂંટડો ગ્ળી જતાં શીખવું જાેઈએ. જે ઘરમાં ઝગડો કે કંકાસ થતાં હશે તે ઘરમાં લક્ષ્મી આવતી નથી અથવા ઘરમાં રહેલી લક્ષમી તે ઘરને ત્યજી દે છે. મનદુઃખ થતાં એકબીજાને સમજાવવાથી કોઇ ઉકેલ આવી શકે છે જેથી કોઇનાં કડવા વેણ મનમાં યાદ કરીને વાગોળવાની જરૂર નથી રહેતી. એક જ પરિવારનાં બધાં સભ્યોના સ્વભાવ એક સરખાં હોતા નથી.

કોઇ મીંઢા હોય તો કોઇ નિખાલસ, કોઇ ઉદાર હોય તો કોઇ કંજૂસ, કોઇ આખાબોલા હોય તો કોઇ અપમાન ગળીને હસતું મોઢું રાખનારા પણ હોય છે. ઘરમાં હરહમેંશ સુખ કે શાંતિ રહે તેવું હોવું જરૂરી નથી પરંતુ દુઃખ કે અશાંતિ ફેલાતાં પરિવારનાં સભ્યો વધારે નજદીક આવી શકે છે. બહુમતિ લોકોનાં ઘરમાં ખલનાયક રૂપી એકાદ પાત્ર દુઃખ કે અશાંતિ ફેલાવવામાં આનંદ મેળવતી હોય છે. પરંતુ મુસીબતનો ઉકેલ આવતાં તે વ્યક્તિ ભોંઠી પડી જતી હોય છે પછી પસ્તાવો કરતી હોય છે.

કહે શ્રેણુ આજ
ઉછાળીને લાગણી કે પ્રેમરૂપી ફુવારો અરસપરસ હરહમેંશ,
ભુલકાથી માંડીને દાદા દાદી બની રહે એકમેક.
ઉઠાવીને સ્નેહ ભર્યો ગુલાલ અરસપરસ, રમી લો હોળી પરિવાર મહીં,
કહે શ્રેણુ આજ બનાવી દે તુજ ઘરને, એક મંદિર વિશ્વ મહીં.

નાના ભૂલકાથી માંડીને ઘરનાં સર્વેએ વડીલોનું માન રાખવું જાેઇએ. પોતાની તકલીફ કે દુઃખ પરિવારનાં બીજા સભ્યોને કહેતાં કોઇ ને કોઇ ઉકેલ સરળતાથી આવી શકે છે. બહારથી આવી પડતાં દુઃખનો સામનો કરવા ઘરનાં પરિવારનાં લોકોએ એક થઇ જતાં દુઃખ હળવું થઇ જાય છે. દરરોજ રાતે ઘરના સર્વ સભ્યો સાથે બેસીને એકબીજાને વિચાર વિનિમય કરાતા, હસતા રમતા રહેવાથી ઘર એક મંદિર બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.