Western Times News

Gujarati News

SG હાઈવે પર ત્રણ મોટા ઓવરબ્રિજ બની રહ્યા છે

Files Photo

એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હવે થોડાક સમયની મહેમાન છે, ગાંધીનગર પણ સડસડાટ પહોંચી જવાશે

અમદાવાદ: તમે સરખેજ-ગાંધીનગર રોડ પરથી પસાર થાઓ ત્યારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કર્યો હશે. પરંતુ આ ટ્રાફિક તમારે માત્ર સપ્ટેમ્બર મહિના સુધી જ જાેવાનો છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચાલી રહેલી કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી જશે, કારણકે અહીં ત્રણ મોટા ઓવરબ્રિજ બનવાના છે. એક બ્રિજ હેબતપુર ચાર રસ્તાથી સોલા ભાગવત જશે, એક બ્રિજ વૈષ્ણોદેવી સર્કલ પરથી પસાર થશે અને ત્રીજાે ખોડિયાર કન્ટેઈનર ડેપો પાસે બનશે. ગાંધીનગરના એક સીનિયર ઓફિસરે જણાવ્યું કે, વૈષ્ણોદેવી સર્કલ પરનો તેમજ ગોતા ચાર રસ્તા પાસેનો ફ્લાયઓવર લગભગ બનીને તૈયાર છે.

ટેક્નિકલ ટીમ દ્વારા અત્યારે બ્રિજ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં પ્રશાસન દ્વારા તેનું ઉદ્‌ઘાટન કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એસ.જી.રોડ પર આવેલો સૌથી લાંબો ફ્લાયઓવર જે હેબતપુર ચાર રસ્તાથી સોલા ભાગવત સુધીનો બનશે, તે સપ્ટેમ્બરના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. તે થલતેજ અંડરપાસ સાથે જાેડાઈ જશે. પાછલા વર્ષે કોરોનાને કારણે પ્રવાસી મજૂરો પોતાના ગામ જતા રહ્યા હોવાને કારણે આ ત્રણ મહત્વના પ્રોજેક્ટ્‌સ લગભગ ૪૫ દિવસ પાછળ ચાલી રહ્યા છે. સોલા રેલવે ઓવરબ્રિજ પર કામ ચાલી રહ્યું છે અને તેમાં રેલ મંત્રાલય પણ શામેલ છે.

અધિકારી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, પાછલા દસ વર્ષમાં અમદાવાદ શહેરમાં એસજી રોડ સૌથી વ્યસ્ત રોડમાંથી એક બની ગયો છે. આ સિવાય ફ્લાયઓવરની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તંત્રએ અહીં ફ્લાયઓવર્સ તેમજ ૬-લેન રોડ બનાવવાનું આયોજન કર્યુ હતું. અત્યારે ત્રણ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ રસ્તા પરથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અમને આશા છે કે આ કામ સપ્ટેમ્બર સુધી પતી જશે અને ગાંધીનગર જવા માંગતા લોકોનો ઘણો સમય બચી જશે. અત્યારે રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું હોવાને કારણે ગાંધીનગર જતા પ્રવાસીઓએ ખોડિયાર ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ ઓવરબ્રિજના કામમાં રેલવે પણ શામેલ હોવાને કારણે તે ક્યારે પતશે તે ડેડલાઈન આપવી અધિકારીઓ માટે શક્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.