ઉત્તરપ્રદેશના મંત્રી ઉપર ૧.૨૫ કરોડની જમીન ૨૦ લાખમાં ખરીદવાનો આરોપ
લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં બેઝિક શિક્ષા મંત્રી સતીશ દ્વિવેદી ભાઈની નોકરી બાદ હવે એક નવા વિવાદમાં ફસાતા જણાઈ રહ્યા છે. હવે તેમના પર એક ખૂબ જ મોંઘી જમીન ખૂબ ઓછી કિંમતે ખરીદવાનો આરોપ લાગ્યો છે. આરોપ પ્રમાણે મંત્રીએ સવા કરોડની જમીન માત્ર ૨૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. આ જમીન તેમણે પોતાના અને પોતાની માતાના નામે ખરીદી છે. જાે કે મંત્રીના કહેવા પ્રમાણે તેમણે કોઈ ગરબડ નથી કરી અને તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છે.
હકીકતે સપા નેતા અને વિધાન પરિષદના સદસ્ય સુનીલ કુમાર યાદવે ટ્વીટર પર ૪ રજિસ્ટ્રીના ફોટો શેર કર્યા છે. તેમણે કરેલા દાવા પ્રમાણે જમીનની રજિસ્ટ્રી સતીશ દ્વિવેદી અને તેમની માતાના નામ પર છે. તેમણે જમીન માર્કેટ રેટ કરતા ઓછી કિંમતે ખરીદવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.
સુનીલ કુમાર યાદવના આરોપ પ્રમાણે સતીશ દ્વિવેદીએ પોતાના અને પોતાની માતાના નામે મોંઘી જમીનો ઓછી કિંમતે ખરીદી. તેમના આરોપ પ્રમાણે એક જમીનની કિંમત ૬૫.૪૫ લાખ રૂપિયા હતી જેને ૧૨ લાખ રૂપિયામાં ખરીદવામાં આવી છે. જ્યારે એક જમીનની માર્કેટ વેલ્યુ ૧.૨૬ કરોડ રૂપિયા હતી જેને માત્ર ૨૦ લાખ રૂપિયામાં જ ખરીદવામાં આવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ‘ગરીબનો હક મારીને ઈડબલ્યુએસ ક્વોટા અંતર્ગત પોતાના ભાઈની બોગસ નિયુક્તિ કરાવનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના ઈમાનદાર બેઝિક શિક્ષા મંત્રીજી કરોડોની જમીન ૨૦ લાખમાં મેળવવાનું હુનર પણ ધરાવે છે. હવે સમજાઈ રહ્યું છે કે ભાઈએ રાજીનામુ કેમ આપ્યું ! યોગીજી તમારા મંત્રી ક્યારે રાજીનામુ આપશે? ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ ટ્વીટમાં સતીશ દ્વિવેદીને આડેહાથ લીધા હતા. તેમણે લખ્યું હતું કે, શું તમારે ૧ કરોડ ૨૬ લાખ ૨૯ હજારની જમીન ૨૦ લાખમાં લેવી છે? તો આદિત્યનાથજીની સરકારમાં મંત્રી બની જાઓ.