Western Times News

Gujarati News

ઝારખંડના ૨૧ જિલ્લાઓમાં ૨૪ કલાકથી વરસાદ ચાલુ, ૨૦૦ ગામોમાં વીજળી બંધ

નવીદિલ્હી: બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ પશ્ચિમી સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. આ સમયે હવાની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડાના કારણે રાંચી સહિત ઝારખંડના ૨૧ જિલ્લાઓમાં ૨૪ કલાકથી વરસાદ પડી રહ્યો છે. જમશેદપુર અને ધનબાદમાં ઝડપી પવનના કારણે ઘણા ઝાડ અને વીજળીના થાંભલાઓ પડી ગયા. તેના કારણે ૨૦૦ ગામોમાં અધારુ છવાઈ ગયું.

મોસમ વિભાગ આઇએમડીએ ૨૮ મે સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડુ ગુરુવારે સવારે ૫.૩૦ વાગ્યે દક્ષિણ ઝારખંડ પહોંચીને નબળુ પડ્યું અને ડીપ ડિપ્રેશનમાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ ગયું છે. અહીંથી તોફાન ઉતર તરફ વધી રહ્યું છે. તે ધીરે-ધીરે નબળુ થતુ જશે. તોફાનના કારણે બિહારના ૨૬ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. યાસ વાવાઝોડુ બુધવાર સવારે લગભગ ૯ વાગ્યે ઓરિસ્સાના ભદ્રક જિલ્લા સાથે અથડાયું હતું. બપોરે લગભગ ૧.૩૦ વાગ્યે તે નબળુ પડીને ખૂબ જ ખતરનાકથી ખતરનાકની શ્રેણીમાં ટ્રાન્સફર થઈ ગયું.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યા સુધી પટના પહોંચશે. પટનામાં ૧૬૦ અને બીજા વિસ્તારોમાં ૨૫૫ મિમી વરસાદની શકયતા છે. આ દરમિયાન ૪૦થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલી શકે છે.આઇએમડીના જણાવ્યા મુજબ બિહારમાં ગુરવારે રાતથી પારો ઘટશે. ૨૮થી દિવસ અને રાતના તાપમાનમાં ૧૩ ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે. ગુરુવારે અધિકતમ તાપમાન ૨૯ અને ન્યુનતમ ૨૩ ડિગ્રી રહેવાનુ અનુમાન છે.

વાવાઝોડાના કારણે ઝારખંડમાં ૨૦૧ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા. પૂર્વ સિંહભૂમના ગુડાબાંદામાં ૨૦૫૧ અને ઘાલભૂમગઢમાં ૬૦૦ લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા. ધનબાદમાં બુધવાર મોડીરાત સુધી ૧૫ મિમી વરસાદ થયો. લાતેહાર જિલ્લાના તૂપુ હેસલા ગામની ધરધરી નદીમાં બુધવારે સાંજે અચાનક વરસાદ આવ્યો. આ દરમિયાન નદી ઓળગી રહેલી જાનૈયાઓથી ભરેલી બોલેરો પુરનો ભોગ બની. જાનૈયાઓ સહિત ડ્રાઈવરે ગાડીમાંથી કૂદીને જીવ બચાવ્યો.વાવાઝોડા યાસના કારણે બંગાળ અને ઓરિસ્સામાં ૨૦ લાખથી વધુ લોકોને અસર થઈ છે. અહીં બુધવારે ૧૩૦-૧૪૫ કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂકાયો હતો. વરસાદ અને ઘરો તૂટવાના કારણે અહીં ૪ લોકોના મૃત્યુ થયા. તેમાં ૩ ઓરિસ્સા અને એક બંગાળના છે.

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોસ અને ભુવનેશ્વરના બીજૂ પટનાયક એરપોર્ટ પર સાંજે લગભગ ૭ વાગ્યાથી બીજી વખત ઉડાન શરૂ થઈ ગઈ. આ એરપોર્ટને વાવાઝોડાના કારણે બંધ કરવામાં આવ્યું હતું. ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં વાવાઝોડું હાલ પણ સક્રિય છે. બાલાસોર જિલ્લાના જલેશ્વર, બસ્તા અને સોરોની સાથે ભદ્રક અને કેન્દ્રપાડા જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પુરની અસર પણ રહી છે. ભિતરકનિકા અને રાજકનિકા જેવા ક્ષેત્રોની પણ આ જ સ્થિતિ છે. આ વિસ્તારોમાં વીજળીનો સપ્લાઈ રીપેર કરવામાં ૩ દિવસથી ૬ દિવસનો સમય લાગી શકે છે.

યાસ વાવાઝોડાએ બુધવારે ભારતના પૂર્વી તટો પર એન્ટ્રી લીધી હતી. બંગાળના જલપાઈગુડીમાં બપોર પહોંચ્યુ અને આ દરમિયાન ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ પણ અનુભવાયો હતો. તે પછી યાસ ઓરિસ્સા પહોંચ્યું, જ્યાં ભારે વરસાદ અને ભારે પવનો ફૂંકાવવા લાગ્યા. આ પહેલા ૧ લાખ લોકોને અહીંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.