એન્ટિગુઆથી ૩ દિવસ પહેલા ગુમ થયેલો મેહુલ ચોકસી ડોમિનિકામાંથી ઝડપાયો
નવીદિલ્હી: ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. મેહુલ ચોકસી કેરબિયન દેશ ડોમિનિકામાં જાેવા મળ્યો, ત્યારબાદ ડોમિનિકા આઇલેન્ડની પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ ચોકસીને ફરી એન્ટિગુઆ મોકલવા માટે ડિપ્લોમેટિક રીતે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનેએ કહ્યું કે, અમે ડોમિનિકન સરકાર સાથે તેને ગેરકાયેદસર રીતે પોતાના દેશમાં પ્રવેશ કરવા માટે કસ્ટડીમાં લેવાનું કહ્યું છે અને તેને વોન્ટેડ વ્યક્તિ ગણાવીને સીધો ભારત મોકલી દેવામાં આવે.
મૂળે, મેહુલ ચોકસી ગત રવિવારે એટલે કે ૨૩ મેની સાંજે પાંચ વાગ્યે અચાનક પોતાના નિવાસસ્થાનથી પોતાની કારમાં બેસીને બહાર ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તેની કાર ત્યાં આસપાસ મળી આવી હતી. ત્યારબાદ તેના પરિજનો અને મેહુલ ચોકસીના ભારતમાં સ્થિત વકીલ વિજય અગ્રવાલ દ્વારા મીડિયા સહિત અન્ય એજન્સીઓને જણાવ્યું કે તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે, જેના માટે તેઓ ખૂબ પરેશાન છે. જાેકે આ ઘટના બાદ ત્યાંની રોયલ પોલીસ ફોર્સ તાત્કાલિક પ્રભાવથી સૌથી પહેલા મેહુલ ચોકસીની તલાશ માટે તેની એક તસવીર સાથે નિવેદન જાહેર કરીને શોધવામાં લાગી ગઈ હતી.
ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી છેલ્લા થોડાક સમયથી એન્ટિગુઆના જાેલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યારબાદથી ભારત દેશની તપાસ એજન્સી અને ઇડીની ટીમ તેને પરત ભારતમાં પ્રત્યર્પિત કરવા માટે પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે ચોકસી પંજાબ નેશનલ બેંક ની સાથે કથિત રીતે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે થોડા સમય પહેલા જ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીની ૧૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ ઉપરાંત તેના ભત્રીજા અને ગુનાના ભાગીદાર નીરવ મોદીને યુનાઇટેડ કિંગડમ (યુકે) કોર્ટનો મોટો આંચકો મળ્યો છે. કોર્ટે મોદીને કોઈ છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. વેસ્ટમિંસ્ટર કોર્ટના ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ સ્પષ્ટ કહ્યું હતું કે નીરવને દોષી ઠેરવવા જરૂરી પુરાવા છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે નીરવ મોદીએ પુરાવા ભૂંસી નાખવા અને સાક્ષીઓને ધમકાવવાનું કાવતરું ઘડ્યું હતું.