રામોલ-હાથીજણમાં બે વર્ષથી ડ્રેનેજ લાઈનનું કામ અધુરૂ હોવાનો આક્ષેપ
રસ્તા અને ખેતરમાં પાણી ભરાતા હોવાથી લોકો ત્રાહિમામ
અમદાવાદ, રામોલ-હાથીજણ વોર્ડમાં વિવેકાનંદનગરના ગેરતપુર વિસ્તારની ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે. જેથી ડ્રેનેજનું પાણી રસ્તા અને ખેતરમાં ફરી વળતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવા ર૦૧૭માં આયોજન કરવામાં આવ્યુ હતુ.
હજી સુધી કામ જ શરૂ કરાયુ નથી. આથી ડ્રેનેજ લાઈન પમ્પીંગ સ્ટેશન ઉભુ કરવા પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ વોર્ડમાં ગેરતપુરથી વિવેકાનંદનગર સુધીની ડ્રેનેજ લાઈન ઉપરના મેનહોલ અંદરથી જ બ્રેક થઈ ગયા છે.લાઈન પણ બેસી ગઈ છે. આથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યુ છે એવુ ંજણાવતા રામોલ- હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલે કહ્યુ હતુ કે ગેરતપુરની આસપાસની સોસાયટીઓમાં ગટરના પાણી ફરી વળ્યા છે. આ ડ્રેનેજ લાઈન માટે ગત ર૦૧૭માં સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મળી ગઈ હતી. પરંતુ મ્યુનિસિપલ અધિકારીઓની લાપરવાહીના કારણે હજી સુધી કામ શરૂ કરાયુ નથી. ગટરના ગંદા પાણીથી લોકોને ભારે હાલાકી પડે છે.
રોગચાળો પણ વકર્યો છે. ખેતરોમાં ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી પણ ભરાઈ રહેતા ખેડૂતોના પાકને પણ સીધું નુકશાન છે. મ્યુનિસિપલ તંત્રને નાગરીકોની પડી ન હોય તેમ કોઈ પગલાં જ ભરતા નથી. જેથી ત્વરીત કાર્યવાહી કરવામાં આવે એવી નાગરીકોએ માંગ કરી છે.