ભરૂચ : ઝનોર ફિડર હેઠળ આવતા ૨૦ થી વધુ ગામોમાં વીજ પુરવઠો અનિયમિત
વહેલી તકે પુરવઠો નહીં આપવામાં આવે તો કલેકટર કચેરી બહાર ઘરણા કરવાની ચીમકી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ તાલુકામાં આવેલ ઝ્નોર ફિડર હેઠળ આવતા ૨૦ થી વધુ ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અનિયમિત રહેતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી રાબેતા મુજબ વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.
રાજયમાં આવેલ તાઉતે વાવાઝોડાના કારણે ઠેર ઠેર વીજ પોલ ધરાશાયી થયા હતા અને અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો આવી જ કઈક હાલત ભરૂચ તાલુકામાં આવેલા ૨૦થી વધુ ગામોની છે.ઝ્નોર ફિડર હેઠળ આવેલા અંગારેશ્વર સહિતના ૨૦ થી વધુ ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત રહેઠા ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલ કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે ઘણા લોકો હોમ આઇશોલેટ છે.ત્યારે વીજળીના મળવાના કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત ખેતી વિષયક વીજળી પણ ન મળતા ખેતીના પાકને પણ નુકશાન થઈ રહ્યું છે.આ વિસ્તારમાં ફૂલની ખેતી મોટા પ્રમાણમાં થાય છે પરંતુ વીજળી ન મળવાના કારણે સિંચાઈનું પાણી સમયસર મળતું નથી જેના કારણે પાક પણ નષ્ટ થવાના આરે છે.
ગ્રામજનોના આક્ષેપ અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએને રજૂઆત કરવામાં આવે તો તેઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.આ પ્રશ્નના નિરાકરણની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અને વહેલી તકે નિરાકરણ નહીં આવે તો કલેકટર કચેરી બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.