ભારતમાં કર્મચારીઓની સુરક્ષાને લઈ ટિ્વટર ચિંતિત
નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેડાયેલા ટૂલકિટ વિવાદને લઇને દિલ્હી પોલીસ ટિ્વટરની ઓફિસે પહોંચી હતી. તે બાદ હવે ટિ્વટરે કહ્યું છે કે, તે ભારતમાં પોતાના કર્મચારીઓની સુરક્ષા લઇને ચિંતિત છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાની ટિ્વટને મેનિપ્યુલેટેડ ટેગ આપ્યા બાદ દિલ્હી પોલીસ તપાસ માટે ટિ્વટરની ઓફિસે ગઇ હતી.
દિલ્હી સ્થિત ટિ્વટરની ઓફિસે રેડનો ઉલ્લેખ કરતાં સોશિયલ મીડિયા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, હાલ અમે અમારા કર્મચારીઓને લઇને હાલમાં જ ભારતમાં બનેલી ઘટનાઓને લઇને ચિંતિત છીએ. ઉપરાંત અભિવ્યક્તિની આઝાદી સામે ખતરાની જે આશંકા પેદા થઇ છે તેને લઇને પણ ચિંતિત છીએ. જેની માટે અમે કામ કરતાં રહ્યાં છે.
ગયા સોમવારે દિલ્હી પોલીસ ટિ્વટરની ઓફિસે ગઇ હતી. દિલ્હી પોલીસ, સંબિત પાત્રાની ટિ્વટને મેનિપ્યુલેટેડ ટેગ આપવાને લઇને ચાલી રહેલી તપાસ દરમિયાન ટિ્વટર ઇન્ડિયાના હેડને નોટિસ આપવા ગઇ હતી.
સંબિત પાત્રાએ એક ટૂલકિટ શેર કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે આ ટૂલકિટ બનાવી છે, જેના દ્વારા મોદી સરકારને બદનામ કરવાનું કામ થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોરોનાને લઇને જે પણ ટિ્વટ કરે છે, તે જે અંદાજમાં પીએમ મોદી પર પ્રહાર કરે છે, તે બધું કોંગ્રેસની ટૂલકિટનો ભાગ છે.
તેની સામે કાર્યવાહી કરતાં કોંગ્રેસે ટિ્વટરને આ અંગે ફરિયાદ કરી હતી અને દસ્તાવેજને નકલી ગણાવ્યા હતા. જે બાદ ટિ્વટરે કેટલીક પોસ્ટ્સને મેનિપ્યુલેટેડ મીડિયાનો ટેગ આપ્યો હતો.