મજબૂરીમાં રીક્ષા ચાલકે સ્મશાનનું કામ સ્વિકાર્યું
નવી દિલ્હી: કોરોના વાયરસ ઘણા લોકોના જીવન અને જીવનશૈલીમાં મોટા ફેરફાર કરી રહ્યો છે. આવું જ રઘુ સાથે થયું છે. કોરોના વાયરસ ફેલાયો તે પહેલાં રઘુ નેલમંગલામાં ઓટો ચાલક હતો. રઘુના ખભે ૬ લોકોના પરિવારના પાલન પોષણની જવાબદારી હતી. પરિણામે તે જે મળે તે કામ કરવા તૈયાર થઈ ગયો. રઘુની બચત મૂડી પુરી થઈ ગઈ, પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો.
આખી સ્થિતિનો ચિતાર આપતા રઘુએ જણાવ્યું કે, મેડિકલ બિલ ચૂકવવા માટે તેને જમીન ગિરવી રાખવી પડી. ત્યારે રઘુને તેના મિત્રએ ફોન કરીને એક નોકરી હોવાનું કહ્યું. આ નોકરી માટે લોકો તુરંત હા પાડી રહ્યા છે તેવું પણ ઉમેર્યું. જેથી, રઘુએ તેની વાત પૂરી થાય તે પહેલાં જ હા પાડી દીધી. રઘુએ બસના ભાડા માટે પાડોશી પાસેથી પૈસા ઉધાર લીધા અને બેંગલુરુ માટે નીકળી પડ્યો.
બેંગલુરુ પહોંચ્યા બાદ ખબર પડી કે નોકરી સ્મશાનમાં હતી. રઘુએ કહ્યું કે, મારે કોવિડના કારણે મોતને ભેટેલા લોકોના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સેવા આપવાની હતી. થોડીવાર તો હું ચોંકી ગયો, પણ મેં હકારમાં માથું ધુણાવી તરત કામ શરૂ કરી દીધું. સ્મશાનમાં નોકરી મેળવનાર અન્ય લોકોના સંજાેગો પણ રઘુ જેવા જ હતા. રઘુ જેવો જ અન્ય કર્મચારી થીમન્ના કહે છે કે,
અહીં પૈસા સારા મળે છે. પરંતુ દિવસના અંત સુધી જે શારીરિક અને માનસિક આઘાત સહન કરીએ છીએ તે વર્ણવી શકાય તેમ નથી. ખૂબ કામ કર્યા પછી પણ સૂઈ શકતા નથી. પરિવારના સભ્યોની ચીસો અમારા મગજમાં ફરતી રહે છે. નોંધનીય છે કે, કોરોનાથી મોત કાબુ બહાર જતા અંતિમ સંસ્કાર કરવા માટે બીબીએમપીએ તાત્કાલિક ધોરણે વધારાના લોકોની ભરતી કરી હતી.
આ લોકોને બર્નિંગ પાયર પર સેટ કરવું, તે વિસ્તારનું નિરીક્ષણ કરવું અને ત્યાર બાદની બોડી માટે કામ કરવા સહિતના કામ સોંપવામાં આવ્યા હતા. અહીંના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તેમને મૃતદેહ દીઠ રૂ. ૨૦૦૦ ચૂકવવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિના કારણે દરેક વ્યક્તિ ઓવરટાઇમ કામ કરે છે. રઘુનું કહેવું છે કે, અહીં તંત્ર દ્વારા જમવાની અને રહેવાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
તેથી અમે જે આવક રળિયે તે તમામ બચાવીએ છીએ. અલબત્ત, અહીં કામ કરનારા લોકો પોતાના પરિવારજનો કે ગામના લોકોને પોતાની નોકરી અંગે જણાવી શકતા નથી. રઘુએ આ મામલે કહ્યું કે, હું અહીંયા બે મહિનાથી કામ કરું છું અને મારી માતાને મેં ખોટું કહ્યું છે કે હું બેંગલુરુમાં ટ્રક ડ્રાઈવર છું. જ્યારે થીમન્નાએ તેના ઘરે શાકભાજીની બજારમાં મજૂરી કરતો હોવાનું કહ્યું છે.