સોલા : દુબઈથી આવેલા યુવાને ટ્રાવેલ એજન્ટ વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી
ઈન્ડોનેશીયાની ટીકીટના રૂપિયા સવા બે લાખ પડાવ્યા બાદ એજન્ટે મોબાઈલ બંધ કરી દીધો |
(પ્રતિનિધિ) અમદાવાદ : છેલ્લા ર૦ વર્ષથી દુબઈમાં રહેતો યુવાન પરિવારને મળવા માટે ભારત આવ્યો હતો બાદમાં પરિવારને વિદેશ ફવરા લઈ જવા માટે વિમાનની ટિકીટો બુકીંગ કરાવવા જતાં તે છેતરપીંડીનો ભોગ બન્યો છે ટ્રાવેલ એજન્ટે તેની પાસેથી સવા બે લાખ રૂપિયાની રકમ પડાવ્યા બાદ ટીકીટ કે રૂપિયા કંઈ ન આપતાં તેણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
સમીરભાઈ કૌશીકકુમાર પટેલ છેલ્લા વીસ વર્ષથી દુબઈ ખાતે પત્નિ તથા બાળકો સાથે રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે તેમના માતા-પિતા ગીતા મંદિર ખાતે આવેલી મંગલપાર્ક નજીકની ભાવના સોસાયટીમાં રહે છે જેમને મળવા માટે દર વર્ષે સમીરભાઈ પત્ની અને બાળકો સાથે આવે છે એ રીતે ગત જુલાઈ મહીનામાં સમીરભાઈ પરીવાર સાથે માતા પિતાને મળવા અમદાવાદ ખાતે આવ્યા હતા બાદમાં સમગ્ર પરીવારે ઈન્ડોનેશીયા ખાતે ફરવા જવાનું નકકી કરતાં સમીરભાઈએ મિત્ર દર્શીલ શાહને સસ્તામાં ટીકીટ અપાવવા વાત કરતાં દર્શીલભાઈએ ટ્રેવેન્ટ નામે ટ્રાવેલ કંપની ચલાવતા શકિતસિંહ વાઘેલાનો નંબર આપ્યો હતો.
શકિતસિંહ વાઘેલાનો ફોન ઉપર સંપર્ક કર્યાં બાદ ટીકીટ બુકીંગ અંગે વાત કરતા તેણે સમીરભાઈને થલતેજ ચાર રસ્તા બોલાવ્યા હતા જયાં પોતાની ગાડીમાં બેસાડીને લેપટોપમાં તેમની ટીકીટ બતાવી બુકીંગ થઈ ગયેલી છે તેમ જણાવ્યુ હતું ઉપરાંત જા સમીરભાઈ સવા બે લાખ રૂપિયા આપે તો એક કલાકમાં જ ઓરીજીનલ ટીકીટ પણ આપી દેશે તેમ જણાવ્યું હતું જેથી સમીરભાઈએ તેને પોતાનો ચેક આપ્યો હતો
જે બાદ શકિતસિંહે ટીકીટ પહોચતી કરું છુ તેમ કહી છુટો પડી ગયો હતો. જાકે એક કલાક બાદથી જ શક્તિસિંહનો ફોન બંધ આવતો હતો જેને વારંવાર ફોન કરવા છતાં સંપર્ક ન થતાં સમીરભાઈએ મિત્ર દર્શીલભાઈને સમગ્ર વાત કરી હતી જેથી સાંજના સુમારે શકિતસિંહનો ફોન આવ્યો હતો જેમાં તેણે ટીકીટના ભાવ વધી ગયા હોવાથી તમારી ટીકીટ કેન્સલ થઈ છે જેથી બીજી ટીકિટ કરાવવી પડશે અને તમને રૂપિયા પરત મળી જશે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
પરંતુ બે મહીના ઉપરાંત થઈ જવા છતાં શકિતસિંહે રૂપિયા પરત ન આપતાં છેવટે સમીરભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે પોલીસે સમીરભાઈની ફરીયાદના આધારે શકિતસિંહ વાઘેલાની સામે કાયદેસરની કાર્યવાહી આદરી છે.