હવે મ્યુકોરના ઇન્જેક્શનના નામે છેતરપિંડી શરૂ થઈ ગઈ
વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને મ્યુકોરમાઈકોસિસ રોગ થતા ડૉક્ટરે ૩૦ ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું
અમદાવાદ, રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર બાદ હવે મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની પણ કાળા બજારી થઈ રહી છે. વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને આ રોગ થતા તેને ડૉક્ટરે ૩૦ ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું. દરમીયાનમાં તેને મિતેષ ગજ્જર નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો.
જેણે એક ઇન્જેક્શનની ૫૫૦૦ રૂ. કિંમત જણાવતા યુવકે ૫૦ ઇન્જેક્શન માંગી ૧.૨૫ લાખ ચૂકવ્યા હતા. પણ ઇન્જેક્શન ન મળતા અને રૂપિયા ચાઉ થઈ જતા યુવક ખરાબ પરિસ્થિતિ માં મુકાયો હતો. દરમિયાનમાં આ યુવકને જાણ થઈ કે મિતેષ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
જેથી તેણે નરોડામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પટેલ ઓઢવ જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેઓના પિતાને વીસેક દિવસ પહેલા કોરોના થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને સારું થતાં ઘરે લાવી દીધા હતા.
ત્યાર બાદ ગત ૧૨મી મેના રોજ તેમના પિતાને મોઢાના ભાગે સોજા જેવું આવતા નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલી ગુજરાત હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ સંદીપભાઈ ના પિતા ને નાકના ભાગે ઇન્ફેક્શન થયું હોવાનું જણાવ્યું હતું અને મ્યુકરોમાઇસીસ થયો હોવાનું જણાવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાદમાં ઇન્જેક્શન ૩૦ દિવસ સુધી આપવા પડશે તેવું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું. જેથી સંદીપભાઈ એ આ ઇંજેક્શનની સગવડ કરવાનું તેમના બનેવી ને કહ્યું હતું. જેથી તેમના બનેવીએ એક નંબર મોકલી આપ્યો હતો તે નંબર ઉપર સંદીપભાઈએ ફોન કરી વાતચીત કરતાં ફોન પર વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ મિતેશ ગજ્જર હોવાનું જણાવ્યું હતું અને એક ઇન્જેક્શનની ૫૫૦૦ રૂપિયા કિંમત જણાવી બે દિવસમાં મળી જશે તેવી વાત કરી હતી.