અમદાવાદ મ્યુનિ. સબ કમીટી ચેરમેનોના નામ જાહેર -દક્ષિણ ઝોનમાંથી કોઈને સ્થાન ન મળ્યુ
શાહીબાગના પ્રતિભા જૈન એક માત્ર મહીલા ચેરપર્સનઃ AMTSના આઠ પૈકી ૭ સભ્યો પૂર્વ વિસ્તારના
(પ્રતિનિધિ દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ત્રણ મહીના પછી શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીએ સબ કમીટી ચેરમેનશ્રી, ડે. ચેરેમન તથા સભ્યોના નામની જાહેરાત કરી છે સાથે સાથે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમીટી ચેરમેન અને સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ ૧ર કમીટી પૈકી માત્ર એક જ કમીટીમાં મહીલા કોર્પોરેટરને ચેરપર્સનનું સ્થાન આપ્યુ છે. જયારે કેટલાક અપેક્ષિત નામની બાદબાકી પણ થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનની માસિક સભામાં સબ કમીટીના હોદ્દેદારો અને સભ્યોના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે જેમાં અપેક્ષા મુજબ સીનીયર અને અનુભવી જતીન પટેલ, દેવાંગ દાણી, પરેશ પટેલ અને મહાદેવ દેસાઈને મહત્વની કમીટીઓ સોંપવામાં આવી છે.
બાપુનગરમાં ભાજપની પેનલની જીતમાં મહત્વનો રોલ અદા કરનાર અશ્વિન પેથાણીને શિરપાવરૂપે હાઉસીંગ કમીટીનું ચેરમેનપદ સોંપવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનની ૧ર સબ કમીટી પૈકી એક માત્ર બાળ કલ્યાણ કમીટીના ચેરપર્સન તરીકે મહીલા કોર્પોરેટર પ્રતિભા જૈનને તક મળી છે
સામાન્ય રીતે દરેક ટર્મમાં બે મહીલા કોર્પોરેટરની ચેરપર્સન તરીકે નિમણુંક થાય છે. સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનના નામ પર દૃષ્ટિપાત કરવામાં આવે તો વસ્ત્રાલ, શાહીબાગ, બાપુનગર વોર્ડનો દબદબો રહયો છે.
લાંભાના મહીલા કોર્પોરેટર ડો. ચાંદની પટેલ, અસારવાના મહીલા કોર્પોરેટર મેનાબેન પટણી, બોડકદેવના દિપ્તીબેન અમરકોટિયા અને ભાઈપુરાના મીરાબેન રાજપુતની વિવિધ કમીટીના ડે. ચેરપર્સન તરીકે નિમણુંક થઈ છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કમીટી ચેરમેનના નામોમાંથી દક્ષિણ ઝોનની બાદબાકી કરવામાં આવી છે. ઝોનના કોઈપણ કોર્પોરેટરને ચેરમેનપદ મળ્યુ નથી. ઈસનપુરના ગૌતમભાઈ પટેલ મહત્વની કમીટીના ચેરમેન પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ અગમ્ય કારણોસર તેમની બાદબાકી થઈ છે. જયારે તેમના સાથી કોર્પોરેટર શંકરભાઈ ચૌધરીની રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીમાં ડે. ચેરમેન તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ નક્કર કારણ વિના જે લોકોને ટિકિટ આપવામાં આવી ન હતી તેવા કાર્યકરો- પૂર્વ કોર્પોરેટરોને એએમટીએસની કમીટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. નરોડાના વલ્લભભાઈ પટેલને એએમટીએસના ચેરમેન તરીકે નિમણુંક થઈ છે.
આ ઉપરાંત ગૌતમ કથીરીયા, સુમનબેન રાજપુત, શાર્દુલ દેસાઈ વગેરે જાણીતા ચહેરા છે. નોંધનીય બાબત એ છે કે મ્યુનિ. હદમાં થોડા સમય પહેલા ભેળવાયેલા બોપલ વોર્ડના વિનોદ પટેલની કમીટી સભ્ય તરીકે નિમણુંક થઈ છે. એએમટીએસ કમીટીના ૦૮ સભ્યોમાંથી ૦૭ સભ્યો પૂર્વ વિસ્તારના છે.