રેડ ક્રોસ ભવન ખાતે પાટણના પત્રકારોને સેપ્સિવેક વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો
પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં હકારાત્મક પ્રયત્નો કરવા પત્રકારોને કલેક્ટરની અપીલ
માહિતી બ્યુરો, પાટણ રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અને જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પાટણના પત્રકારશ્રીઓને સેપ્સિવેક વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. કેડિલા ફાર્માસ્યુટીકલ દ્વારા વિકસાવવામાં આવેલી આ વેક્સિનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, આરોગ્ય તંત્રને વધુ મજબૂત કરવું એ આજના સમયની માંગ છે ત્યારે સ્વાસ્થ્ય સબંધી સેવાઓ પૂરી પાડવામાં રેડ ક્રોસ સોસાયટીનો વહિવટી તંત્રને હંમેશા સહયોગ રહ્યો છે. સાથે જ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ અને રાજ્ય સરકાર દ્વારા કોવિડની સ્થિતિને પહોંચી વળવા કરવામાં આવી રહેલી કામગીરીને પત્રકારશ્રીઓએ સુપેરે ઉજાગર કરી છે.
પત્રકારશ્રીઓને અપીલ કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે ત્યારે પત્રકારશ્રીઓએ રસીકરણ અંગેની ભ્રામક માન્યતાઓ દૂર થાય અને વધુને વધુ નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં હકારાત્મક પ્રયત્નો કરવા જાેઈએ.
આ કાર્યક્રમ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્યશ્રી ડૉ.કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, વ્યક્તિ જ્યારે આર્થિક રીતે સદ્ધરતા અને ઉચ્ચ મોભો પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાનું સામાજીક ઋણ વિસરી જાય છે. પરંતુ નામાંકિત મલ્ટીનેશનલ કંપનીના એમ.ડી.ના હોદ્દા પર હોવા છતાં ડૉ.રાજીવ મોદી દ્વારા સામાજીક જવાબદારી અદા કરવા જ્ઞાતિબંધુઓ અને પત્રકારશ્રીઓને સેપ્સિવેક વેક્સિન આપવાનો ર્નિણય કર્યો છે તે ખરેખર પ્રેરણાદાયી છે.
છેલ્લા લગભગ બે મહિના જેટલા સમયથી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ પોતાની ફરજ દરમ્યાન સંક્રમણનું વધુ જાેખમ ધરાવતા પત્રકારશ્રીઓને રેડ ક્રોસ ભવન ખાતે વેક્સિન આપવામાં આવી હતી. કેડિલા ફાર્માસ્યુટીકલના એમ.ડી. ડૉ.રાજીવ મોદીના સહયોગથી રેડ ક્રોસ દ્વારા અગાઉ ખમાર જ્ઞાતિના સભ્યોને વેક્સિન આપ્યા બાદ, પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આશરે રૂ.૪૫ લાખની કિંમતના ૩,૦૦૦ ડોઝ પાટણ રેડ ક્રોસ ભવનને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા.
શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલા રેડ ક્રોસ ભવન ખાતે પાટણ પ્રેસ ક્લબ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પાટણ રેડ ક્રોસના ચેરમેનશ્રી ડૉ.જે.કે.પટેલ, સેક્રેટરીશ્રી ડૉ. મૌનિશ શાહ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રતિનિધિશ્રી ડૉ.દિલીપભાઈ ચૌહાણ અને ઉર્મિલાબેન જાેષી,
અખીલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખશ્રી ડૉ.રિપલ મોદી, સમાજના અગ્રણીશ્રી હર્ષદભાઈ ખમાર અને કિરીટભાઈ ખમાર, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઈ ગઢવી, પ્રેસ ક્લબ ઑફ પાટણના પ્રમુખશ્રી રાજેશભાઈ સોની તથા પાટણના પ્રબુદ્ધ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.