કોરોનાકાળમાં લોકો જાગૃત બન્યા ન્યૂટ્રિશન કન્સલ્ટન્ટની માંગ વધી
અમદાવાદ, કોરોનાકાળમાં સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી વધારવી એ સૌથી મહત્વની બાબત હોઈ લોકો હવે પોતાના આરોગ્યની કાળજી લેવા માટે જાગૃત બની રહ્યાં છે. માત્ર સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ કે સાંભળેલી વાતોને અવગણીને પોતાના શરીરને અનેરૂપ આરોગ્યલક્ષી ડાયટ પ્લાન બનાવતા થયા છે.
આડેધડ દેશી કે ઘરની ચીજવસ્તુઓનું ઈમ્યુનિટી વધારવા માટે સેવન કરનારા હવે ડોક્ટરના માર્ગદર્શન લેતા થયા છે. ખાસ કરીને જ્યારથી મુકરમાઈકોસીસ-બ્લેક ફંગસી, વ્હાઈટ ફંગસના કેસો વધવા લાગ્યા છે ત્યારથી ડરના માર્યા લોકો હવે ન્યૂટ્રિશન કન્સલ્ટન્ટની સલાહ મુજબ ડાયટ પ્લાન બનાવીને ફોલો કરી રહ્યાં છે.
ન્યૂટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરમાં ડાયટ અંગેની ઈન્કવાયરી વધી રહી છે, જેમ સાઈકોલોજીસ્ટની સલાહ લેવાનું કોરોનાકાળમાં વધી રહ્યું છે. તેવી જ રીતે હવે ન્યૂટ્રિશન કન્સલ્ટન્સી પણ ઈન ડિમાન્ડ છે. ન્યૂટ્રીશન કાઉન્સેલિંગ સેન્ટરમાં કોવિડ ડાયટ પ્લાન પછી મ્યુકરમાઈકોસિસમાં સર્જરી બાદ તબીબો અને દર્દીઓ કયો ખોરાક આપવો તેની માહિતી માંગી રહ્યાં છે.
મ્યુકરમાઈકોસીસના દર્દી વધતાં પ્રોટીનયુકત આહાર માટે દર્દીનાં સ્વજનો પણ ડાયટ પ્લાનના આધારે ખોરાક આપી રહ્યાં છે. સર્જરીના પગલે લિક્વિડ ડાયટ પ્લાન અપાઈ રહ્યો છેે. દર્દીના વજન અને રિપોર્ટના આધારે ડાયટ પ્લાન બને છે.
કોરોના સેન્ટર દ્વારા કોવિડ ડાયટ પ્લાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકો સેવા લઈ રહ્યાં છે. કોઈ ખાનગી તો કોઈ સરકારી હોસ્પિટલમાંથી માર્ગદર્શન લઈ રહ્યાં છે.
ન્યૂટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરનાં સૂત્રો અનુસાર મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થતાં તબીબો દ્વારા ડાયટ પ્લાન અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને સર્જરી બાદ દર્દીઓને પાઈપ વાટે લિક્વિડ ખોરાક આપવાનો હોય છે, જેમાં કેટલી માત્રામાં કઈ વસ્તુઓ આપી શકાય તે વિશે ડાયટ પ્લાન બનાવવો જરૂરી બને છે.
મોટા ભાગે ડાયટ પ્લાનમાં મગનું પાણી, ફ્રૂટ જ્યૂસ, થીક શેક, પાણીમાં પાતળી રાબ, વેજિટેકલ સૂપ, વિવિધ પાતળી દાળ, નારિયેળ પાણીનો નળી દ્વારા ખોરાક માટે સમાવેશ કરવામાં આવે છે. કોરોના સંક્રમિત દર્દીનાં સ્વજનો દ્વારા ઓનલાઈન ડાયટ પ્લાન પણ માગવામાં આવી રહ્યાં છે. જાે ડાયટને લગતી કોઈ સમસ્યાઓ હોય તો તેની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે. દર્દીઓના રિપોર્ટના આધારે તેમને ડાયટ પ્લાન અપાય છે. આ ઉપરાંત ડોક્ટર્સ પણ પેશન્ટ માટે ડાયટ પ્લાન માંગે છે.