ફૂટવેર ઉદ્યોગને ફટકોઃ વેપારીઓને રૂા. ૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન
અમદાવાદ શહેરના ૩૦૦થી વધુ હોલસેલર્સને આર્થિક નુકસાન
અમદાવાદ, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે શાળા કોલેજાે તેમજ ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમને કારણે લોકોનાં બુટ ચંપલ વપરાયાં કે ઘસાયાં જ નથી. તહેવારોની સિઝનમાં પણ લોકડાઉન હોવાને કારણે શહેરના ૧૦ હજારથી વધુ ફૂટવેર વિક્રેતાઓને ફટકો પડ્યો છે. શહરેના ૩૦૦થી વધુ હોલસેલર્સને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘણાં વેપારીઓ ફૂટવેરનું પેમેન્ટ ન કરી શક્યા હોવાને કારણે ધંધો જ બંધ કરી બેઠા છે.
ગોડાઉનોમાં આગ્રા અને ઉત્તર પ્રદેશથી આવેલાં લેઘરનાં ચંપલ અને બુટ વણ વેચાયેલાં રહેવાથી કરોડોનો માલ નુકસાન પામ્યો છે. ર૮ દિવસ પછી સરકારે આંશિક લોકડાઉનમાંં અર્ધો દિવસ દુકાન ખુલ્લી રાખવાની રાહત વેપારીઓને આપી છે. પરંતુ લોકો ઘરની બહાર ન નીકળતા હોવાથી બુટ ચંપલની ઘરાકી સાવ નહિવત છે,
તો બીજી તરફ ફેશન ફૂટવેરનો બિઝનેસ તો સાવ ઠપ છે. લગ્નસરા, એક વર્ષથી બંધ શાળા કોલેજ અને રમજાન સહિતના તહેવારોની સિઝનમાં પણ ખરીદી નહી થઈ હોવાને કારણે ફૂટવેરના વેપારીઓના સ્ટોકમાં રોકાયેલા રૂપિયા માથે પડ્યા છે. જૂતાં ચંપલ ધીરે ધીરે ખરાબ થઈ રહ્યાં છે.
ચંપલના વેપારીના મતે સારી બ્રાન્ડનાં ફુટવેર વપરાશમાં રહે તો લાંબુ ચાલે છે પરંતુ જાે વાપરવામાં ન આવે તો લાંબાં સમયે બિસ્કિટની જેમ તૂટી જાય છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ દર વર્ષે શાળા કોલેજાેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં યુનિફોર્મ શૂઝ અને સ્પોર્ટંસ શૂઝની ખરીદી મોટા પ્રમાણમાં થતી હતી એટલું જ નહીં લગ્નસરામાં હોટલ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ દર છ અને બાર મહિને મળતા ઓર્ડર અટકી પડ્યા છે.
રિટેલ બિઝનેસનો વેપાર ઘટીને સીધો ર૦ થી ૩૦ ટકા પર આવી ગયો છે. ફૂટપાથ પર બુટ ચંપલ વેચનાર કનુભાઈએ જણાવ્યું હતું કે, ઈન્દિરા સર્કલ પાસે ફૂટપાથ પર બેસીને બુટ ચંપલ વેચવાનો વ્યવસાય કરૂં છું રોજનું કમાઈને રોજનું ખાઉ છું. સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે મારો વ્યવસાય બંધ થઈ ગયો હતો. આ સમયગાળામાં બહુ જ કઠણ દિવસો પસાર કર્યા છે. ફરી ધંધા વ્યવસાય શરૂ થયા છે. ત્યારે હવે બે ટાઈમ ખાવાના રૂપિયા નીકળી જશે.