ગેરકાયદેસર રીતે ઉઠાવેલું એક્ટિવા પોલીસે છોડ્યુ
ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગના નામે નાગરિકોને રીતસરના પરેશાન કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે
અમદાવાદ: ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગના નામે નાગરિકોને રીતસરના પરેશાન કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે દાખલારૂપ ચુકાદો આપતાં પોલીસે ગેરકાયદેસર ઉપાડેલી એક્ટિવાને તાત્કાલિક છોડી દેવાનો આદેશ કર્યો છે. વાહનો ટો કરીને લઈ જતાં ટોઈંગ વાહનના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તુમાખી કરીને અરજદારનું ટુ-વ્હીલર રિવરફ્રન્ટ નજીકથી તેની હાજરીમાં ઉઠાવી લીધું હતું. પોલીસે પહેલા કહ્યું કે, અરજદારે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે. પરંતુ બાદમાં વ્હીકલ નો પાર્કિંગ ઝોનમાં હોવાથી ટો કર્યું હોવાનો સૂર આલાપ્યો હતો.
જેથી અરજદારે આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન) ફાઈલ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તેમની એક્ટિવા નો પાર્કિંગમાં નહોતી. પોલીસના વિરોધાભાસી વલણ છતાં એક્ટિવા અરજદારને પાછી ના અપાતાં તેમણે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જે બાદ હાઈકોર્ટે એક્ટિવા છોડી દેવાનો હુકમ કર્યો હતો. આ અજીબોગરીબ કેસમાં એક સામાન્ય ટુ-વ્હીલરનો મુદ્દો છેક હાઈકોર્ટ જેવી ઉચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. અરજદાર પ્રદીપભાઈ દેસાઈએ એડવોકેટ કે.એમ.દસ્તૂર અને એડવોકેટ દેવેશ શાહ મારફતે રિટ કરી હતી. અરજીમાં તેમણે જણાવ્યું હતું, તા. ૬-૧-૨૦૨૧ના રોજ અરજદાર રિવરફ્રન્ટ રોડ દ્વારા જમાલપુરથી એલિસબ્રજ તરફ પોતાના ઘરે જતા હતા.
જ્યાં તેમણે વચ્ચે એક સ્થળે એક્ટિવા ઊભી રાખીને ફોન કર્યો હતો. આ દરમિયાન ટોઈંગ ક્રેન આવી હતી અને તેમાંથી કેટલાક લોકોએ ઉતરીને તેમના પર આક્ષેપ કર્યો હતો કે તેઓ રેકોર્ડિંગ કરી રહ્યા છે. જેનો અરજદારે ઈનકાર કર્યો હતો. તેમ છતાંય ક્રેન પર કામ કરતાં યુવકોએ તેમના વ્હીકલની ચાવી લઈ લીધી હતી.
જાેકે, અરજદાર તેમની વાત માનવા તૈયાર નહોતા ત્યારે આ કર્મચારીઓએ તેમને ધક્કો માર્યો અને વ્હીકલ ઉઠાવીને લઈ ગયા હતા. આ ઘટના બાદ અરજદારે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો અને ટુ-વ્હીલર છોડાવા માટે પણ અનેક રજૂઆત કરી હતી. પરંતુ કોઈપણ સ્તરે તેમની વાત સાંભળવામાં નહોતી આવી. પોલીસ તંત્રના જક્કી અને ગેરકાયદે વલણની સ્પષ્ટતા એ પરથી થાય છે કે પહેલા તેમણે અરજદારે ટ્રાફિકના નિયમો તોડ્યા હોવાનું કહ્યું હતું. બાદમાં નો પાર્કિંગ ઝોનમાં વાહન ઊભું કર્યું હોવાથી વાહન ઉઠાવ્યાનું કીધું હતું.