હવે ૧૦૦રૂ.ની નોટ બદલાઇ જશે, ફાટવાની ચિંતા નહી રહે
મુંબઇ: ભારતીય ચલણી નોટોમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. ૧ રૂપિયાની નોટથી ૨૦૦૦ રૂપિયા સુધીની ચલણી નોટો આવી છે પરંતુ હવે ૧૦૦ રૂપિયાની એવી નોટ આવશે જે પહેલા કરતા મજબૂત હશે. ૧૦૦ રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે ૧૦૦ રૂપિયાની નોટ બદલાઇ જશે. તે વધારે ચમકદાર હશે અને આરબીઆઇએ કહ્યું છે કે, ૧૦૦ રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે.
આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે. આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જાે કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ ૧૦૦ રૂપિયાનું નુકસાન થાય છે. ફાટેલી નોટોને રિપ્લેસ કરવી પડે છે અને તેમાં વધારે રૂપિયા ખર્ચાય છે. માટે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર આરબીઆઇ કરી રહી છે.
ફીલ્ડ ટ્રાયલ જાે સફળ રહેશે તો આ નોટને ધીરે ધીરે માર્કેટમાં લાવવામાં આવશે અને જૂની નોટોને હટાવી લેવામાં આવશે. તેની જગ્યાએ નવી અને વધુ ચમકદાર નોટ આવશે. વાર્નિશવાળી આ નોટો વિશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં વાત કરી છે. તેમણે પોતાના પ્લાનમાં વાર્નિશવાળી નોટને પણ સ્થાન આપ્યુ છે.
નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નથી કારણકે તે જલ્દી ફાટશે નહી. પાણીમાં જલ્દી ઓગળશે નહી અને વાર્નિશ પેન્ટના કારણે તે લાંબો સમય નવી જ રહેશે. વાર્ષિક રિપોર્ટમાં આરબીઆઇએ કહ્યું છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નકલી નોટોની સંખ્યામાં વધારો થયો છે. ૧૦ની નકલી નોટ ૨૦.૨ ટકા, ૨૦ની નકલી નોટ ૮૭.૨ ટકા, ૫૦ની નકલી નોટ ૫૭.૩ અને ૫૦૦ તેમજ ૨૦૦૦ની નકલી નોટ પણ સામે આવી છે. ૨૦૦૦ની નકલી નોટમાં ૨૧.૯ ટકા વધારો થયો છે. આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે બેન્કે નવી નોટનો વિચાર કર્યો છે.