રાજ્યોને ૨૦૦૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પડાયો
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે મોટાભાગના રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની અછત સર્જાઈ હતી.દિલ્હી જેવા રાજ્યોમાં તો ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત પણ થયા હતા.
આ સમયગાળામાં રેલવે દ્વારા ઓક્સિજન પહોંચાડવા માટે ઓક્સિજન એક્સપ્રેસ શરુ કરવામાં આવી હતી.આજે રેલવે મંત્રી પિયુષ ગોયેલે જાણકારી આપતા કહ્યુ હતુ કે, ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા વિવિધ રાજ્યોને ૨૦૦૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે.આમ ઓક્સિજન એક્સપ્રેસ માઈલ સ્ટોન સાબિત થઈ છે. તેમણે ટિ્વટ કરતા કહ્યુ હતુ કે, ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી દર્દીઓને મોટી મદદ મળી છે.
ઓક્સિજન પૂરો પાડવા માટે ૩૦૦ ટ્રેનોને કામે લગાડવામાં આવી હતી અને તેમના થકી ૨૦૦૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી શકાયો છે.રેલવે દ્વારા ૧૫ રાજ્યોના ૩૯ શહેરોમાં ૧૧૬૨ ટેન્કરો થકી ઓક્સિજન પહોંચાડ્યો છે.૨૪ એપ્રિલે આ ટ્રેનોની સેવા શરુ કરાઈ હતી.ટ્રેન થકી મહારાષ્ટ્રને ૧૨૬ ટન ઓક્સિજન અપાયો હતો.જ્યારે આંધ્ર, તામિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા એવા રાજ્યો છે જ્યાં એક-એક હજાર ટન ઓક્સિજન ટ્રેન થકી આપવામાં આવ્યો છે.જે ૧૫ રાજ્યોમાં ટ્રેનો પહોંચી હતી તેમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરાલા, દિલ્હી સામેલ છે.