પતિનાં ત્રાસથી કંટાળી મહીલાએ નર્મદા કેનાલમાં પડતું મુક્યું
એક વર્ષ અગાઉ જ પ્રેમલગ્ન કર્યા હતાઃ સાબરમતી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ તેને વગર વાંકે શારીરિક- માનસિક ત્રાસ આપતો હતો. આ દરમિયાન એક વર્ષના લગ્ન જીવન બાદ યુવતીએ નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લેતા તેના પિતાએ ફરીયાદ નોંધાવી છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે મોટેરા, પંજાબીની ચાલી ખાતે રહેતા બાબુભાઈ સોલંકીને સંતાનમા પુત્રી તેજલબેન તથા પુત્ર કિશોર હતા તેમની પુત્રી તેજલે ગયા વર્ષે મેરેજ બ્યુરોમાં મળેલા મુકેશ મકવાણા (હરીઓમનગર, મોટેરા) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમની પત્ની તેજલને મળવા જતાં મુકેશ તેને દારૂ પીને મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું કહયુ હતું ઉપરાંત તેજલના કોઈ સગા ઘરે આવવા જાેઈએ નહી તેમ પણ કહેતો હતો
જાે કે પ્રેમલગ્ન કર્યા હોવાથી તે તમામ ત્રાસ સહન કરતી હતી. અઠવાડીયા અગાઉ પણ મુકેશે તેજલ સાથે મારઝુડ કરતા તે મામા સસરા રમેશભાઈ પરમારના ઘરે રહેવા ગઈ હતી જયાથી વહેલી સવારે નીકળી ગઈ હતી દરમિયાન બુધવારે કડી પોલીસને રંગપુરડા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલમાંથી તેજલની લાશ મળી આવતા તેના પરીવારજનોને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે તેજલના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મુકેશ અને તેના માતા પિતા વિરુધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ફરીયાદમાં તેમણે તેજલના સાસુ, સસરા વિરુધ્ધ પણ આક્ષેપો કર્યા છે.